શિવસેના સાથે ખેંચતાણ પછી ભાજપના ધારાસભ્યોની આજે બેઠક, ફડણવીસ નેતા ચૂંટાય તેવી શક્યતા

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્રમાં સરકાર ગઠન વિશે ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. શિવસેના અઢી વર્ષ માટે તેમના મુખ્યમંત્રી બનાવવાની વાત પર અડગ છે. જોકે દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે સ્પષ્ટ કહ્યું હતું કે, 5 વર્ષ સુધી તેઓ જ મુખ્યમંત્રી બનશે. બુધવારે ભાજપ ધારાસભ્ય પક્ષની બેઠક થવાની છે. તેમાં ફડણવીસ ફરી ધારાસભ્ય પક્ષના નેતા ચૂંટાય તેવી શક્યતા છે. ભાજપના કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પાર્ટીના ઉપાધ્યક્ષ અવિનાશ ખન્નાને બેઠક માટે પર્યવેક્ષક બનાવાવમાં આવ્યા છે.

  • આ પહેલાં ફડણવીસે કહ્યું હતું કે, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે, શિવસેના સાથે મુખ્યમંત્રી પદ માટે 50-50 ફોર્મ્યૂલા જેવી કોઈ સમજૂતી થઈ નથી. ફડણવીસનું આ નિવેદન સંજય રાઉતના તે નિવેદન પછી આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે પાસે સરકાર બનાવવાનો વિકલ્પ છે. પરંતુ તેઓ તેને સ્વીકારવાનું પાપ કરવા નથી માંગતા.
  • ત્યારપછી ફડણવીસે ખુલાસો કર્યો હતો કે, લોકસભા ચૂંટણી સમયે શિવસેનાએ અઢી-અઢી વર્ષ મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ તે વિશે મારી સામે કોઈ નિર્ણય આવ્યો નથી. જો આ વિશે કઈ નક્કી થયું પણ હશે તો તે અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે નક્કી કરશે.
  • ભાજપના રાજ્યસભાના સાંસદ સંજય કાકડેએ કહ્યું હતું કે, શિવસેનાના 45 નવા ચૂંટાયેલા ધારાસભ્યો મુખ્યમંત્રી ફડણવીસના સંપર્કમાં છે. તે ધારાસભ્યો ભાજપ સાથે ગઠબંધન ઈચ્છે છે. તેથી તેઓ ઉદ્ધવને ફડણવીસ સાથે મળીને સરકાર બનાવવા માટે મનાવી લેશે. તે સિવાય શિવસેના પાસે બીજો કોઈ ઓપ્શન નથી.

અમિત શાહ સામે 50:50 ફોર્મ્યૂલા વિશે વાત થઈ: રાઉત
સંજય રાઉતે ફડણવીસના નિવેદન વિશે કહ્યું છે કે, મુખ્યમંત્રીએ જાતે 50-50 ફોર્મ્યૂલાની વાત કરી હતી. ઉદ્ધવજીએ પણ આ વિશે વાત કરી હતી. આ દરેક વાત અમિસ શાહની સામે થઈ છે. હવે જો તેઓ એવું કહે છે કે, આ વિશે કોઈ વાત નથી થઈ તો હું આ વાતોને પ્રણામ કરુ છું. તેઓ તે વાત નકારી રહ્યા છે જે તેમણે કેમેરાની સામે કહી હતી. આપણે સત્યતાની વ્યાખ્યા બદલી દેવાની જરૂર છે.

મહારાષ્ટ્રમાં કોઈ દુષ્યંત નથીઃ રાઉત
સરકાર બનાવવામાં વિલંબ થવા અંગેના સવાલનો જવાબ આપતા રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોઈ દુષ્યંત નથી, જેના પિતા જેલમાં છે. અહીં અમે છીએ, જે ધર્મ અને સત્યનું રાજકારણ કરે છે. શરદજીએ ભાજપ વિરુદ્ધ માહોલ બનાવ્યો અને કોંગ્રેસ ક્યારેય ભાજપ સાથે જશે નહીં. સોમવારે રાઉતે કહ્યું કે, અમારી પ્રાથમિકતા છે કે નક્કી થયા મુજબ 50-50 ફોર્મ્યુલાનો અમલ થાય. મુખ્યમંત્રીના પદ માટે નેતાનું નામ ઉદ્ધવ ઠાકરે નક્કી કરશે.

શિવસેનાના અઢી વર્ષ મુખ્યમંત્રી પદની માંગણીથી વિવાદ વધ્યો
24 ઓક્ટોબરે પરિણામ જાહેર થયા પછી શિવસેનાના અમુક નેતાઓએ માંગણી કરી છે કે, રાજ્યમાં અઢી વર્ષ ભાજપ અને અઢી વર્ષ શિવસેનાના મુખ્યમંત્રી બને. શિવસેનાએ ભાડપ અધ્યક્ષ અમિત શાહની 50-50 ફોર્મ્યૂલાને ધ્યાનમાં રાખીને માંગણી કરી છે કે, બંને પાર્ટીઓના નેતાઓને મુખ્યમંત્રી બનવાનો મોકો આપવો જોઈએ. શિવસેનાના પ્રતાપ સરનાઈકે કહ્યું કે, ઉદ્ધવને મુખ્યમંત્રી પદ માટે ભાજપના સીનિયર વ્યક્તિ સાથે લેખીતમાં લેવું જોઈએ. જોકે ત્યાર પછી મહારાષ્ટ્રમાં હાલના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાજ્યમાં આગામી 5 વર્ષ માટે ભાજપના નેતૃત્વમાં જ સરકાર ચાલશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 105 અને શિવસેનાને 56 સીટો મળી છે.