ફરી એકવખત ત્રણ દિવસ જોવા મળશે ‘પાટીદાર પાવર’, આવતીકાલથી શરૂ થશે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’

ગુજરાત મુખ્ય સમાચાર

આવતીકાલ એટલે કે 3થી 5 જાન્યુઆરીએ ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સરદાર ધામ મિશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ યોજાવવાનું છે. ત્રણ દિવસ ચાલનાર આ સમિટમાં 10 હજાર જેટલા ઉદ્યોગપતિ અને ઉદ્યોગ સાહસિક હાજર રહેવાના છે. તો બીજી બાજુ પ્રથમ સમિટ યોજાયું હતું તે ખૂબ નાના પાયે હતું, પરંતુ આ સમિટમાં 750 જેટલા સ્ટોલ હશે તો સમિટમાં તમામ સમાજને આમંત્રણ આપેલું છે જેમાં સ્પોન્સર અને સ્ટોલ ધારકોમાં અન્ય સમાજના 10 ટકા લોકોએ હિસ્સો લીધો છે.

આ વખતે ખેડૂતલક્ષી અને ડેરી ઉદ્યોગ અને મહિલાઓને 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે આ સમિટમાં સ્ટોલ આપવામાં આવ્યા છે. મહત્વની જો વાત કરવામાં આવે તો સરદાર પટેલની વિશ્વની બીજા નંબરની 50 ફૂટની પ્રતિમાનું આવતીકાલે (3જી જાન્યુઆરી) અનાવરણ થશે. સાથે જ ત્રણ દિવસ ચાલનારા આ સમિટમાં વિવિધ વક્તાઓ પણ ભાગ લેશે. જેમાં કુમાર વિશ્વાસ, ચેતન ભગત, જય વસાવડા અને કાજલ ઓઝા વૈદ્ય તથા સવજી ધોળકિયા, પરેશ ગજેરા, પૂજા પટેલ જેવા મહાનુભવો ભાગ લેશે.

અત્રે નોંધનીય છે કે આ સમિટના હેતુની વાત કરવામાં આવે તો સમાજના ઉદ્યોગ સાહસિકો અને ઉદ્યોગોને આંતરિક નેટવર્કિંગ ઉપયોગી થવાનો હેતુ છે. સાથે જ આ સમિટ સર્વ સમાજ માટે ખુલ્લો મુકાયો છે. ગત સમિટ કરતા સાત ઘણા મોટા સમિટનું આયોજન છે. મહિલાઓને 50 ટકા વળતર સાથે સ્ટોલ આપવામાં આવશે, જ્યારે 2 હજાર દીકરા દીકરીઓ માટે હોસ્ટેલ બનાવાઈ છે જે મે જૂનમા પૂર્ણ થશે. આવતીકાલ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી અને મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમા સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ થશે.

સરદાર ધામના મુખ્ય પાંચ લક્ષ્યબિંદુઓ
(1) સમાજનું વૈશ્વિક જોડાણ
(2) પગદંડીથી મહામુકામ તરફ પ્રયાણ
(3) સમાજસેતુ યોજના
(4) દીકરી સ્વાવલંબન યોજના
(5) ઉજ્જવળ ભવિષ્ય યોજના