2011માં આવેલી તમિળ હોરર કોમેડી ફિલ્મ ‘મુની 2: કંચના’ જબરજસ્ત હિટ રહી હતી. હવે આ ફિલ્મની હિંદી રિમેક બની રહી છે. હિંદી રિમેકને તમિળ ફિલ્મના જ ડિરેક્ટર રાઘવ લોરેન્સ ડિરેક્ટ કરી રહ્યાં છે. જેમાં લીડ રોલમાં અક્ષય કુમાર છે. અક્ષય કુમાર ફિલ્મમાં રાઘવનો રોલ પ્લે કરવાનો છે. તમિળમાં આ રોલ લોરેન્સ રાઘવેન્દ્રે કર્યો હતો. રાઘવ પર એક ટ્રાન્સજેન્ડર મહિલાની આત્મા હોય છે અને તે પોતાના મોતનો બદલો લેવા માંગે છે. અક્ષય કુમારે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. હવે, આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને મહત્વના રોલમાં સાઈન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લે 2006માં રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘ફેમિલી’માં અક્ષયકુમાર-અમિતાભ સાથે જોવા મળ્યાં હતાં.
‘કંચના’ની હિંદી રિમેકમાં અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મી કરિયરમાં પહેલી જ વાર ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કરશે. આ ફિલ્મમાં તેઓ કંચનાની ભૂમિકા ભજવશે. કંચના એ ટ્રાન્સજેન્ડર મહિલા છે, જે પોતાના મોતનો બદલો લેવા માટે રાઘવના શરીરમાં પ્રવેશે છે. તમિળ ફિલ્મમાં કંચનાનો રોલ આર શરદકુમારે કર્યો હતો. 1981માં અમિતાભ બચ્ચને ‘લાવારિસ’ના ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈં..’ ગીતમાં મહિલાનો ગેટઅપ કર્યો હતો.
‘કંચના’ હિંદીમાં ‘લક્ષ્મી’ નામથી રિલીઝ થાય તેવી શક્યતા છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મમાં અક્ષય એકદમ સ્ટ્રોંગ તથા સુપરનેચરલ શક્તિઓમાં માનતો ના હોવાનું બતાવવામાં આવશે. ફિલ્મમાં અક્ષય કુમારની પત્નીના રોલમાં કિયારા અડવાણી જોવા મળશે.

