અમેરિકાએ પોતાની વિમાન કંપનીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકાએ કંપનીઓને પાકિસ્તાનનાં એરસ્પેસનો ઉપયોગ કરવાથી બચવા માટે કહ્યું છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં અમેરિકી વિમાનો પર આતંકવાદી હુમલો થઈ શકે છે. યૂએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)એ એક નિવેદનમાં કહ્યું કે વિમાન પાકિસ્તાની આતંકવાદી સંગઠનોનું નિશાન બની શકે છે.
અમેરિકાએ જાહેર કરી એડવાઇઝરી
આ એડવાઇઝરી ત્યારે જાહેર થઈ છે જ્યારે બે દિવસ પહેલા ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર ઘણા પ્રદર્શનકારીઓએ હુમલો કરી દીધો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું હતુ. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇરાકમાં અમેરિકી દૂતાવાસ પર ઈરાને હુમલો કરાવ્યો છે.
ઈરાની સમર્થકોએ અમેરિકા વિરુદ્ધ બગદાદમાં કર્યું હતુ પ્રદર્શન
આ પહેલા અમેરિકાએ એક હવાઈ હુમલામાં ઈરાન સમર્થિત એક સંગઠન પર હુમલો કર્યો હતો, જેમાં 25નાં મોત થયા હતા. અમેરિકાનો આરોપ હતો કે આ સંગઠનનો અમેરિકાનાં ઠેકેદારનાં મોત પાછળ હતો. આનાં વિરોધમાં ઇરાકનાં બગદાદમાં ઈરાની સમર્થક અમેરિકા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા.
એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ઑગષ્ટ 2019માં 2 લોકોની ઇસ્લામાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કૉમર્શિયલ એરક્રાફ્ટ પર નાના હથિયારથી ફાયરિંગ માટે ધરપકડ કરવામાં આવી હતી. એડવાઇઝરીમાં 2015માં બલૂચિસ્તાન સ્થિત 2 એરફીલ્ડો અને પેશાવરમાં પાકિસ્તાની એરફૉર્સ બેઝ પર આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં અનેક લોકોનાં મોત થયા હતા અને અનેક લોકો ઘવાયા હતા.