કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સાથ આપનાર તુર્કીના યાત્રા રદ કરીને પીએમ મોદીએ આંતરરાષ્ટ્રિય સમુદાયને કડક ભાષામાં સંદેશ આપ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં તુર્કીના પ્રમુખ રિજેબ આર્દોઆને કાશ્મીર મુદ્દે ભારતનો વિરોધ કરીને પાકિસ્તાનને સાથ આપ્યો હતો. જેનો જવાબ પીએમ મોદીએ આપી દીધો છે. સાથે સાથે બીજા દેશોને પણ આડકતરો મેસેજ આપ્યો છે કે, કાશ્મીર મુદ્દે ભારત સ્હેજ પણ નમતુ જોખવા માટે તૈયાર નથી.
મળતી વિગતો પ્રમાણે આ મહિનાના અંતમાં પીએમ મોદી તુર્કી જવાના હતા. આ પીએમ મોદીની પહેલી તુર્કી યાત્રા હોત. આ પહેલા તેઓ 27-28 ઓક્ટોબરે સાઉદી અરબમાં મેગા ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં હાજરી આપીને ત્યાંથી તુર્કીની રાજધાની અંકારા જવાના હતા.
આ બાબતથી સ્પષ્ટ થઈ ગયુ છે કે, તુર્કી અને ભારતના સબંધો સાવ નિરાશાજનક સ્થિતિમાં છે. એમ પણ બંને દેશો વચ્ચે અગાઉ પણ હુંફાળા સબંધો નહોતા.
જોકે વિદેશ મંત્રાલયનુ કહેવુ છે કે, આ પ્રવાસ ફાઈનલ થયો જ નહોતો તો તે રદ કરવાનો સવાલ આવતો જ નથી.
જોકે ભારતનુ વલણ પહેલેથી આ તુર્કી અને મલેશિયા માટે આકરૂ રહ્યુ છે. ભારત મલેશિયાને પણ વેપારી સબંધોમાં ઝાટકો આપીને પાઠ ભણાવવાની તૈયારીમાં છે. મલેશિયા પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સાથ આપી રહ્યુ છે.

