દેશના સૌથી સુરક્ષિત સ્થળ ગણાતા રાષ્ટ્રપતિ ભવનમાં પણ હવે કોરોના ત્રાટક્યો છે. રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરતા સ્વચ્છતાકર્મીની વહુને કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તે પોતાના પરિવાર સાથે રાષ્ટ્રપતિભવન કેમ્પસમાં જ રહે છે. આ વાતની પૃષ્ટિ થયા બાદ રાષ્ટ્રપતિભવન કેમ્પસમાં રહેતા 125 પરિવારોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસ અગાઉ સ્વચ્છતાકર્મીની માતાનું કોરોનાને પગલે નિધન થયું હતું. વતનમાં તેમના અંતિમ સંસ્કાર વખતે સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો. ત્યારબાદ સમગ્ર પરિવારને આઈસોલેશનમાં મોકલી દેવાયો હતો અને તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ સ્વચ્છતાકર્મીની વહુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સ્વાસ્થ્ય વિભાગે કેમ્પસમાં રહેતા 125 પરિવારનો કોરન્ટાઈન કર્યા છે. જે બ્લોકમાંથી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે ત્યાં જ 25 જેટલા અન્ય પરિવારને પણ કોરન્ટાઈન કરાયા છે. આ તમામ લોકોને પોતાના ઘરમાંથી નિકળવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને આ લોકોનું ભોજન રાષ્ટ્રપતિ ભવન દ્વારા મોકલવામાં આવી રહ્યું છે.

