નિવૃત્તિની અફવાઓ પર બોલ્યા ક્રિસ ગેઇલ, મેં હજુ નિવૃત્તિ જાહેર કરી નથી

ખેલ-જગત મુખ્ય સમાચાર

પ્રવાસી ભારત સામેની ત્રીજી વન-ડે ક્રિકેટ મેચ વેસ્ટ ઇન્ડિઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઇલની અંતિમ વન-ડે મનાતી હતી પરંતુ મેચને અંતે યુનિવર્સ બોસ તરીકે જાણીતા ક્રિસ ગેઇલે જાહેર કર્યું હતું કે તે હજી નિવૃત્ત થયો નથી.

બુધવારની મેચમાં ક્રિસ ગેઇલ ખાસ 301 નંબરની જર્સી પહેરીને આવ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ માટે સૌથી વધુ વન-ડે ગેઇલ રમ્યો છે અને તેનો આંક પણ 301 છે જે નંબરની જર્સી ગેઇલ સમગ્ર કારકિર્દીમાં પહેરીને રમ્યો હતો.

આ મેચમાં 41 બોલમાં 72 રનની ઝંઝાવાતી ઇનિંગ્સ રમીને ગેઇલ પેવેલિયનમાં પરત ફર્યો ત્યારે પ્રેક્ષકોએ તેને એવી રીતે વધાવી લીધો હતો જાણે તે કારકિર્દીની છેલ્લી મેચ રમીને આવ્યો હોય. ગેઇલે પણ તેનું બેટ અધ્ધર કરીને તેની ઉપર હેલમેટ લટકાવી દીધી હતી. ત્યારબાદ તેણે હેલમેટ ઉછાળીને કેચ કરી લીધી હતી. આ તમામ બાબતો એવા સંકેત આપતી હતી કે ગેઇલે તેની છેલ્લી મેચ રમી રહ્યો છે. મેચ બાદ ભારતના તમામ ખેલાડીએ પણ ગેઇલને શુભેચ્છા પાઠવી હતી.

કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેની જ સ્ટાઇલથી અભિનંદન આપ્યા હતા.પરંતુ… મેચ બાદ ગેઇલે પોતે નિવૃત્ત થઈ રહ્યો છે તે વાત નકારી કાઢી હતી. તેણે જણાવ્યું હતું કે મેં કોઈ જાહેરાત કરી નથી, નિવૃત્તિની પણ જાહેરાત કરી નથી.

નિવૃત્તિ અંગે તેને પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં ગેઇલે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે જારી કરેલા વીડિયોમાં કહ્યું હતું કે તે હજી સુધી નિવૃત્ત થયો નથી.103 ટેસ્ટ રમેલા ક્રિસ ગેઇલે ઇંગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપ દરમિયાન તેણે જાહેર કર્યું હતું કે તે છેલ્લી વાર રમી રહ્યો છે.

વર્લ્ડ કપ વખતે તેણે એમ પણ જાહેર કર્યું હતું કે ભારત સામે ટેસ્ટ અને વન-ડે રમીને તે નિવૃત્ત થવા માગે છે. જોકે તેની ઇચ્છા જમૈકામાં ટેસ્ટ રમીને વિદાય થવાની હતી પરંતુ ભારત સામેની બે ટેસ્ટની સિરીઝમાં તેને પસંદ કરાયો નથી.