સામાન્ય રીતે ડિસેમ્બરમાં અનુભવાય તેવી ગાત્રો થીજાવતી ઠંડી ગુજરાતમાં હાલ ફેબુ્રઆરીમાં પડવાનો સિલસિલો જારી રહ્યો છે. નલિયા સૌથી વધુ ૫.૮ ડિગ્રી, અમદાવાદ ૮.૧ ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું હતું. આ સાથે જ અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ફેબુ્રઆરી માસમાં ત્રીજા ક્રમનું સૌથી ઓછું સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ૨૫ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રીનો ઘટાડો અને ૮.૧ ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૫.૧ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ, નલિયા ઉપરાંત ગાંધીનગર, ડીસા, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગર, વલસાડ, વડોદરામાં પણ ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ‘હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં થયેલી હિમ વર્ષા અને ઉત્તરથી ઉત્તરપૂર્વની દિશાનો પવન ફૂંકાવવાને પગલે ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે.

