નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ બુધવારે કહ્યું કે એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરીશું નહિ તો તેને ચલાવવા માટે પૈસા ક્યાંથી આવશે. તેમનું કહેવું છે કે એર ઈન્ડિયા હાલ પ્રથમ શ્રેણીની સંપતિ છે, તેને હાલ વેચીશું તો બોલી લગાવનાર સામે આવશે. જો એ સિદ્ધાંત બનાવી લઈશું કે એરલાઈનને વેચીશું નહિ, તો ભવિષ્યમાં તેનું સંચાલન મુશ્કેલ થઈ જશે.
એર ઈન્ડિયાના 15 હજાર કર્મચારી
પુરીએ કહ્યું કે એર ઈન્ડિયાના નુકસાનની ભરપાઈ માટે પહેલા અમે નાણાં મંત્રાલયની પાસે જતા હતા. હવે નાણાં મંત્રાલયમાંથી રકમ મળી રહી નથી, આ કારણે બેન્કોની પાસે જવું પડશે. એર ઈન્ડિયાના કર્મચારીઓના ભવિષ્યના સવાલ પર પુરીએ કહ્યું કે અમે એ વાત માટે પ્રતિબદ્ધ છીએ કે એરલાઈનના 11 હજાર પરમનન્ટ અને 4 હજાર હંગામી કર્મચારીઓને ન્યાય મળે. જે પણ એરલાઈનને ખરીદશે, તેને ટ્રેનડ કર્મચારીઓની જરૂરિયાત પણ પડશે.
સરકારે ગત વર્ષે પણ એરલાઈનને વેચવાની કોશિશ કરી હતી, પરંતુ કોઈ ખરીદનાર મળ્યું ન હતું. તેનુ કારણ એ માનવામાં આવ્યું કે બિડિંગ માટે ઘણી કડક શરતો રાખવામાં આવી. આ કારણે સરકાર આ વખતે બોલી પ્રક્રિયાને સરળ રાખશે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ એર ઈન્ડિયા પર 78 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. તેમાં ખરીદનારને માત્ર 30 હજાર કરોડ રૂપિયાની જવાબદારી આપવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકાર 15 ડિસેમ્બરે રોકાણકારો પાસેથી બોલીઓ મંગાવવાનો પ્રસ્તાવ બહાર પાડી શકે છે.

