મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમ પદથી રાજીનામું આપ્યા પછી અજીત પવારે બુધવારે પહેલીવાર મીડિયા સામે આવ્યા છે. ધારાસભ્ય પદના શપથ લીધા પછી અજીત પવારે કહ્યું કે, હું નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)માં હતો અને છું. શું પાર્ટીએ મને બહાર કાઢ્યો હોય તેવી લેખિતમાં તમારી પાસે કોઈ માહિતી છે? હું પાર્ટીમાં હતો અને છું.
અજીત પવારે કહ્યું કે, નવી સરકારમાં મારી ભૂમિકા પાર્ટી નક્કી કરશે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી મેં ડેપ્યૂટી સીએમ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારપછી મેં મારી પાર્ટીના નેતાઓ સાથે વાત કરી હતી.
આ પહેલાં અજીત પવાર મહારાષ્ટ્ર વિધાનસભામાં શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. પૂર્વ ઉપ મુખ્યમંત્રી અજીત પવારે અહીં સ્માઈલ સાથે એન્ટ્રી કરી અને તેમની પીતરાઈ બહેન સુપ્રીયા સુલેને ગળે મળ્યા ત્યારે લોકો ચોંકી ગયા હતા.
યોગ્ય સમય આવશે ત્યારે મારી વાત રજૂ કરીશ- ફડણવીસ
બીજી ટર્મમાં 3 દિવસ માટે મુખ્યમંત્રી રહેલા ફડણવીસે આજે ધારાસભ્ય પદના શપથ લીધા. જ્યારે તેઓ શપથ સમારોહમાં પ્રવેશ કરતાં હતા ત્યારે મીડિયા દ્વારા તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શું અજીત પવાર સાથે જવું તેમની ભૂલ હતી. ત્યારે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, યોગ્ય સમય આવશે ત્યારે હું મારી વાત રજૂ કરીશ.
NCP સાંસદ સુપ્રીયા સુલેએ કર્યું દરેક ધારાસભ્યનું સ્વાગત
સુપ્રીયા સુલેએ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું પણ હાથ જોડીને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને જ્યારે તેઓ આગળ વધવા ગયા ત્યારે તેમના ખભે હાથ મુકીને તેમની સાથે વાત પણ કરી હતી. સુપ્રીમયાએ પૂર્વ સ્પીકર અને બીજેપીના સીનિયર નેતા હરીભાઈ બગાડે અને અન્ય નેતાઓનું પણ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અંતે છેલ્લા કેટલાય દિવસથી તણાવવાળું વાતારણ ચાલતુ હતું તે હળવું થઈ ગયું હતું.
ઉદ્ધવ ઠાકરેને શિવસેના-એનસીપી-કોંગ્રેસના સીનિયર નેતાઓએ સર્વસમ્મતિથી મુખ્યમંત્રી પદ માટે મહા વિકાસ અધાડીના નેતા ચૂંટ્યા છે.

