શાહીન બાગમાં ચાર મહિનાના બાળકના મોત પર સુપ્રીમ કોર્ટ લાલચોળ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

શાહીન બાગ પ્રદર્શન દરમિયાન ચાર મહિનાના બાળકના મોતના મામલામાં સુપ્રીમ કોર્ટની ત્રણ જસ્ટિસની બેંચે આ મામલામાં સુનાવણી કરતા સખત શબ્દોમાં ટિપ્પણી કરતા પૂછ્યું કે શું ચાર મહિનાનું બાળક પણ વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યું હતું? કેન્દ્ર સરકારે પણ આ દુર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ઘ ઘટના ગણાવી છે. 

નોંધનીય છે કે આ મામલામાં કોઈના તરફથી સુપ્રીમ કોર્ટમાં કોઈ અરજી કરવામાં નહતી આવી. તેમ છતા સોમવારના રોજ સુપ્રીમ કોર્ટે પોતાની રીતે આ મુદ્દાને ધ્યાનમાં લઈને આ મામલે સુનાવણી કરી હતી. ચીફ જસ્ટીસ એસ એ બોબડે, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચે આ મામલામાં સુનાવણી કરી. 

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસીટર જનરલે પણ બાળકના મોતની ઘટનાને દર્દનાક ગણાવી. આ દરમિયાન શાહીન બાગની ત્રણ મહિલાઓએ પોતે પણ પોતાનો પક્ષ રજૂ કરવાની માગ કરી. મહિલાઓએ વકીલ દ્વારા કોર્ટમાં કહ્યું કે, કાયદા પ્રમાણે બાળકોને પણ વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે. તેઓએ કોર્ટમાં ગ્રેટા થનબર્ગનું ઉદાહરણ પણ આપ્યું હતું. જેના પર ચીફ જસ્ટિસે તેમની ઝાટકણી કાઢતા કહ્યું કે સુપ્રીમ કોર્ટ માતૃત્વનું સમ્માન કરે છે, પરંતુ તમે અમને એક વાત સમજાવો કે શું ચાર મહિનાનું બાળક એની જાતે વિરોધ પ્રદર્શન કરવા જઈ શકે? 

વિરોધ પ્રદર્શન દરમિયાન બાળકના મોતની ઘટના બાદ બહાદુરી એવોર્ડથી સમ્માનિત વિદ્યાર્થી જેન ગુણરત્ન સદાવર્તે સુપ્રીમ કોર્ટને ચિઠ્ઠી લખી હતી. સુપ્રીમ કોર્ટે આ બાબત પર ગંભીરતા દર્શાવતા બાળકની મોતના મામલા પર કોઈ પણ અરજી વગર સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો. 

નોંધનીય છે કે સોમવારના રોજ આ ઉપરાંત શાહીન બાગ વિસ્તારમાં રસ્તા પર નાગરિકતા સુધારણા કાયદાનો વિરોધ કરી રહેલા દેખાવકારોને ત્યાંથી હટાવવાની માગ કરતી અરજી પર પણ સુનાવણી કરવામાં આવી હતી. પાટનગર દિલ્હીના શાહીન બાગમાં આશરે બે મહિનાથી નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં દેખાવો કરી રહ્યા છે. ધરણા પ્રદર્શનના કારણે તે રસ્તા પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. 

સોમવારના રોજ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેખાવકારો આવી રીતે જાહેર રસ્તાને રોકી ન શકે. જાહેર જગ્યા પર આવી રીતે વિરોધ પ્રદર્શન ન કરી શકાય. જો બધા જ લોકો આવી રીતે જાહેર જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરવા લાગશે તો દેશનું શું થશે? શાહીન બાગ વિસ્તારમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસ પણ ત્યાં સુરક્ષામાં ખડેપગે ઉભી છે. વિરોધ પ્રદર્શનને કારણે છેલ્લા બે મહિનાથી બંધ કરાયેલા રસ્તાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.