હરિયાણાના પલવલ જિલ્લામાં 17 વર્ષની સગીરા સાથે ચાર યુવકોએ ગેંગરેપ કર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. વધારે ચોંકાવનારી વાત એ છે કે, સગીરા પર અગાઉ આ જ ચાર યુવકો રેપ કરી ચૂક્યા હતા. પણ પોલીસે કેસ બંધ કરી દેતાં આ હવસખોરોએ આ સગીરાને ફરી ઉઠાવી હવસનો શિકાર બનાવી. દેશમાં બળાત્કારના કિસ્સાઓ અટકવાનું નામ લઈ રહયા નથી. હૈદરાબાદમાં નરાધમોને સીધી ગોળી મરાઈ હોવા છતાં નરાધમો હજુ પણ બેખૌફ છે. પોલીસનુ કહેવુ છે કે, ચાર ડિસેમ્બરે પીડિતા વહેલી સવારે ટોયલેટ જવા ઘરની બહાર નીકળી હતી ત્યારે ચારે યુવકોએ તેનું અપહરણ કરી લીધું હતું. તેને ખેતરમાં લઈ ગયા હતા અને ત્યાં તેની સાથે રેપ કર્યો હતો. એ પછી બે કલાકે તેને છોડીને આરોપી ફરાર થઈ ગયા હતા. મહિલાની ફરિયાદ બાદ પોલીસ હવે અલ્તાફ, સરફરાઝ, ઈરશાદ અને શોએબ નામના આરોપીઓને સોધવા માટે ઠેર ઠેર છાપા મારી રહી છે. પીડીતાનો આરોપ છે કે, આ 4 નરાધમોએ 13 ઓગસ્ટના રોજ પણ બળાત્કાર કર્યો હતો. આ બાબતે બહીન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. જે પોલીસે રદ કરી દીધો છે. હવે મહિલા પોલીસે આ સંબંધિત કેસ નોંધી ફરી કાર્યવાહી હાથ ધરી છે. દેશમાં દર વર્ષે 40 હજાર, દરરોજ 109 અને 1 કલાકમાં 5 છોકરીઓ સાથે બળાત્કાર થાય છે. ભારતમાં જીડીપી ઘટે તો હોબાળો થાય છે પણ એવું ક્યારેય થયું નથી કે બળાત્કારના કેસોમાં ઘટાડો થયો હોય. દેશભરમાં હાલમાં જુદાજુદા કાયદાઓ અંતર્ગત 3 કરોડ કેસો ચૂકાદો આવવાની પ્રતિક્ષા કરી રહયા છે. જેમાં 3 લાખ કેસો તો દેશની અલગ અલગ 21 હાઈકોર્ટમાં ચૂકાદાની રાહ જોઈ રહ્યાં છે. આ કેસોમાં દોઢ લાખ કેસ તો ફક્ત બળાત્કારના છે. દેશની લોકસભા અને વિધાનસભામાં બેસેલા 30 ટકા નેતાઓ સામે કેસ થયેલા છે. જેમાં 51 પર તો મહિલાઓ સામેના ગુનાઓ નોંધાયેલા છે. 4 નેતાઓ સામે બળાત્કારના કેસ છે.

