ભારતને ક્રૂડનો જરુરી જથ્થો અમેરિકા પૂરો પાડશે: માઇક પોમ્પિઓ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ બુધવારે ભારતને ક્રૂડ ઓઇલ પુરૂ પાડવાની જાહેરાત કરી છે. નવી દિલ્હી ખાતે વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે, અમેરિકાના પ્રતિબંધોને કારણે ભારત દેશે ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરી હતી, જેથી હવે વોશિંગ્ટન ભારતને તેલની ખપત પૂરી પાડશે.

સરકારી આંકડાઓ મુજબ ભારત ક્રૂડ ઓઇલની ખરીદીમાં વિશ્વસ્તરે ત્રીજા નંબરે છે અને નવેમ્બર 2018થી મે 2019 સુધી ભારતે અમેરિકા પાસેથી દૈનિક સ્તરે 1,84,000 બેરલ તેલ ખરીદ્યું હતું. પરંતુ ગત વર્ષે આજ સમયગાળા દરમિયાનનો આંકડો માત્ર 40 હજાર બેરલ પ્રતિ દિવસનો હતો. અમેરિકાના પ્રતિબંધો પહેલા ભારત ઇરાની તેલ ખરીદનાર બીજો સૌથી મોટો દેશ હતો.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની મુલાકાત દરમિયાન માઇક પોમ્પિઓએ અમેરિકન પ્રતિબંધો અને અરબી સમુદ્રમાં વોશિંગ્ટન તથા ઇરાન વચ્ચે વધી રહેલા તણાવ અર્થે ઉર્જા સુરક્ષા સંલગ્ન મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

જો કે ભારતીય વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ઇરાન મામલે ભારત સ્પષ્ટ દ્રષ્ટિકોણ ધરાવે છે. ક્રૂડ ઓઇલની ખપત સ્થિતિથી અમેરિકાના વિદેશ મંત્રી પરિચિત છે.

અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરતા માઇક પોમ્પિઓએ જણાવ્યું કે, બધા માટે ધાર્મિક સ્વતંત્રતા મામલે એક સાથે ઉભા રહેવું જોઇએ. ભારત દુનિયાના ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે. આવો સાથે ઉભા રહીએ. અધિકારો માટે ખુલ્લા મને વાત કરીએ, કારણ કે જ્યારે આપણે આ મુદ્દે સંધિ કરીએ છીએ, દુનિયાને નુકસાન જ થાય છે.

આ સિવાય માઇક પોમ્પિઓએ જણાવ્યું કે વિશ્વમાં બે જ નેતાઓ એવા છે જે રિસ્ક લેવાથી ડરતા નથી. આ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. આ દરમિયાન તેમણે ખુશી જાહેર કરી હતી કે સંયુક્ત રાષ્ટ્રએ જૈશના મુખિયા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કર્યો. તેમણે જણાવ્યું કે ભારત વૈશ્વિક સ્તરે પોતાની મહત્તમ હાજરી નોંધાવી રહ્યું છે અને અમેરિકા તેનું સ્વાગત કરે છે.