પાકિસ્તાનના ધર્મપરિવર્તન કેસમાં વળાંક, છોકરીઓએ કહ્યું અમારી મરજીથી ધર્મ બદલ્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાનમાં બે હિંદુ છોકરીઓના કથિત અપહરણ અને બાદમાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તનની ઘટના ઇસ્લામાબાદ હાઈકોર્ટ સુધી પહોંચી ગઈ છે. આ મામલે મંગળવારે વળાંક આવ્યો કે જ્યારે બન્ને છોકરીઓએ ઇસ્લામાબાદમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને કહ્યું કે તેમની ઉંમર 18 વર્ષ અને 20 વર્ષ થઈ ગઈ છે અને તેમણે પોતાની મરજીથી ઇસ્લામ અંગીકાર કર્યો છે. બીબીસી સંવાદાતા ફરહાન રફીએ જણાવ્યું કે બન્ને પીડિત છોકરીઓએ ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે સરકારને કહ્યું હતું કે સરકારી એજન્સીઓ અને મીડિયા દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહી છે અને આના પર રોક લગાવવામાં આવે. તેમણે સરકારને એવું પણ કહ્યું કે આ ઘટના બાદ તેમના જીવ પર જોખમ છે એટલે તેમને સુરક્ષા આપવામાં આવે. કોર્ટે બન્ને છોકરીઓને સુરક્ષા આપી દીધી છે. હાઈકોર્ટે બન્નેને સુરક્ષા પૂરી પાડવા માટે ઇસ્લામાબાદના નાયબ કમિશનરને આદેશ આપ્યો છે. કોર્ટે એવું પણ કહ્યું કે બન્ને યુવતીઓ ઇસ્લામાબાદની બહાર નહીં જઈ શકે. કોર્ટે બન્ને યુવતીના પતિઓને પણ સુરક્ષા પૂરી પાડવા આદેશ આપ્યા છે. અરજીમાં છોકરીઓએ કહ્યું હતું કે પાકિસ્તાનના બંધારણ અનુસાર તેમને ધર્મ પસંદ કરવાની છૂટ છે અને આવું તેમણે પોતાની મરજીથી કર્યું છે.