બળાત્કાર મામલે કોર્ટમાં સજા કાપી રહેલા સ્વયંભૂ સંત આસારામને મંગળવારે રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે આસારામની સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. એટલુ જ નહિ હાઈકોર્ટે આસારામની જામીન અરજી પણ ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે સગીરા સાથે રેપ કેસમાં આસારામને જોધપુરની એક અદાલતે દોષી ગણાવીને આજીવન કેદની સજા સંભળાવી છે. તે છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ છે. મંગળવારે હાઈકોર્ટમાં ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ વીરેન્દ્ર કુમાર માથુરની ખંડપીઠ સમક્ષ અરજી પર સુનાવણી શરૂ થઈ. સુનાવણી શરૂ થતા જ ખંડપીઠે આસારામ તરફથી કરેલી અરજી પ્રત્યે આકરુ વલણ અપનાવ્યુ. જેના કારણે અરજી ફગાવી દેવાના ભયથી આસારામના વકીલ પ્રદીપ ચૌધરએ ચર્ચા કર્યા વિના આ અરજી પાછી લઈ લીધી. તમને જણાવી દઈએ કે આ કેસમાં બે સહ આરોપીઓ શરદચંદ્ર અને શિલ્પીની સજા હાઈકોર્ટે પહેલા સ્થગિત કરી દીધી છે.

