સૌરાષ્ટ્રમાં પાણી પ્રશ્ને રાજકારણ ગરમાયુ છે. ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વાસોયા પાણીના પ્રશ્ને આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે. વસોયાએ નાયબ કલેકટર કચેરીએ આમરણાંત ઉપાવસ શરૂ કરી દીધા છે. ધોરાજી,માણાવદર, કુતિયાણા તાલુકાના 60 ગામ લોકોને ભાદર-2 ડેમના પાણીના બદલે નર્મદાનું પાણી આપવાની માંગ સાથે વસોયા ઉપવાસ પર ઉતર્યા છે. ભાદર 2 ડેમનું પાણી કેમિકલ યુક્ત હોવાથી નર્મદાનાં પાણીની માંગ સાથે વસોયા ઉપવાસ પર ઉતર્યા છે.
વસોયાનો આક્ષેપ છે કે સરકાર દ્વારા જવાબ ન મળતા તેમણે ઉપવાસ શરૂ કર્યા છે. તો બીજી બાજું આ મુદ્દે ગઈકાલે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું. ચુડાસમાએ કહ્યું હતું કે લલિત વસોયાને પાણી પ્રશ્નને લઈને મીટીંગમાં બોલાવ્યા હતા પરંતુ ધારાસભ્ય લલિત વસોયા મીટીંગ માં હાજર નહોતા રહ્યાં. મંત્રી ચુડાસમાના આ નિવેદન મુદ્દે ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું હતું કે સરકારના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કે કલેકટર દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું, આમંત્રણ વગર જવું મને યોગ્ય લાગ્યું નહોતું.
ત્રણ તાલુકાના 60 ગામોને સૌની યોજના મારફતે પાઇપ લાઇન નંખાઈ છે તેના પગલે ધારાસભ્ય વસોયાએ આમરાણંત ઉપવાસ કર્યા છે. તેમણે કહ્યું, “વર્ષ 2017માં મુખ્યમંત્રીએ પાઇપલાઇનનું ઉદઘાટન કરી દીધું છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રજાને ભાદરનું કેમિકલયુક્ત પાણી આપવામાં આવે છે. ભુપેન્દ્રસિંહ બાપુ શનિદેવના સોગંદ ખાઈને કો તંત્ર દ્વારા મને મીટિંગનું આમંત્રણ આપવામાં આવ્યું હતું કે નહીં? બાપુએ કલેક્ટર સાથે વાત કર્યા પછી એ વાત સ્વીકારી કે મને મીટિંગ માટે આમંત્રણ નહોતું અપાયું. જોકે, તેઓ મીડિયા સમક્ષ એવું કહેતા હોય કે મને આમંત્રણ અપાયું હતું અને હું નહોતો ગયો તો હું બાપુને પડકારો ફેંકીને કહું છું શનિદેવના સોદંગખાઈને કહો કે મને આમંત્રણ અપાયું હતું કે નહીં ?”
ધોરાજી સરકારી હોસ્પિટલના તબીબ ડૉ.પાર્થ મેઘનાનીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય વસોયાનું અમે નિરીક્ષણ કર્યુ છે. વસાયોને સ્યુગરની સમસ્યા છે અને બીપીની તકલીફ છે. તેથી તેમણે ઉપવાસ પર ન ઉતરવું જોઈએ તેવી સલાહ આપી છે. બાકી સમયાંતરે તેમનું નિરીક્ષણ કરતા રહીશું.

