J&K: 2019માં 160 આતંકીઓનો ખાતમો, 102 જીવતા પકડાયા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

એક તરફ સરકાર જમ્મુ-કાશ્મીરમાં પહેલી જાન્યુઆરીથી મોબાઇલ એસએમએસ સેવા ચાલુ કરી રહી છે ત્યાં રાજ્યના ડીજીપી દિલબાગ સિંહે રાજ્યમાં આતંકીઓ સામે સેના કાર્યવાહીની મહત્વની જાણકારી આપી છે. તેમણે આપેલી જાણકારી મુજબ વર્ષ 2019 દરમિયાન રાજ્યમાં કુલ 160 આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો અને 102 આતંકીઓ જીવતા પકડવામાં આવ્યા છે. તેમના મુજબ રાજ્યમાં આતંકી સંગઠનો સાથે જોડાવાની વુત્તિમાં પણ નોંધનીય ઘટાડો આવ્યો છે. 

સિંહે મીડિયાને જણાવ્યું કે, 2018માં આતંકી સંગઠનો સાથે રાજ્યના 218 યુવકો જોડાયા હતા પરંતુ 2019માં આંકડો 139નો છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં આતંકી પ્રવૃત્તિમાં 30 ટકાનો ઘટાડો થયો છે. તેમના મુજબ 2019માં કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલી 481 ઘટનાઓ ઘટી હતી જ્યારે 2018માં આવી 625 ઘટનાઓ બની હતી.
રાજ્યમાં આતંકીઓની વર્તમાન સ્થિતિનો ખુલાસો કરતા સિંહે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં 250 આતંકીઓ સક્રિય છે અને 2018ની સરખામણીમાં આ આંકડો ઘટ્યો છે. વર્ષ દરમિયાન 102 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે 10 આતંકીઓએ આત્મસમર્પણ કર્યું હતું.

આતંકીઓ વિરુદ્ધ સેના અભિયાનોમાં 80 ટકા અભિયાન પણ સફળ રહ્યા હતા. જે દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસના 11 જવાન અને કેન્દ્રીય સુરક્ષાદળોના 72 જવાન શહીદ થયા હતા.