કાશ્મીરમાં આજે મધ્ય રાત્રીથી મોબાઈલ SMS સેવા પૂર્વવત થશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ હવે ધીરે-ધીરે સરકાર દ્વારા પ્રતિબંધો હળવા કરવામાં આવી રહ્યાં છે. કાશ્મીરમાંથી સરકાર ઘાટીના લોકો માટે મોબાઈલ SMS સેવા શરૂ કરવા જઈ રહી છે. આજે મધ્યરાત્રીથી આ સેવા પૂર્વવત કરવામાં આવશે. આ વાત જમ્મુ કાશ્મીર સરકારના નિર્દેશક સૂચના રોહિત કંસલે જમ્મુમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી. રોહિત કંસલે કહ્યું કે, ઘાટીની સરકારી હોસ્પિટલોમાં બ્રોડબેંડ સેવા પણ એક જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવશે.
નોંધનીય છે કે, કાશ્મીર ઘાટીમાં પાંચ ઓગસ્ટથી મોબાઈલ ઈન્ટરનેટ સેવા સહિત ફોન અને SMS સેવા પર પ્રતિબંધ હતો. બાદમાં 14 ઓક્ટોબરના રોજથી પોસ્ટપેઈડ મોબાઈલ કોલ સેવા શરૂ કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવાની જાહેરાત કરી હતી અને ત્યારથી જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા જેને હવે ધીરે-ધીરે હળવા કરવામાં આવી રહ્યાં છે.