સાવરકર વિવાદ : ‘રાહુલ ગાંધી 100 જનમ લેશે તો પણ સાવરકર નહીં બની શકે’, વિવાદ પર કોણે શું કહ્યું?

મુખ્ય સમાચાર રાજકીય

શનિવારે કૉંગ્રેસે ભારત સરકારની નીતિઓના વિરોધમાં આયોજિત ‘ભારત બચાઓ’ રેલી આયોજિત કરી હતી જેમાં રાહુલ ગાંધીએ ‘સાવરકર’ અંગે નિવેદન કરતા વિવાદ થયો છે.

નોંધનીય છે કે મોદી સરકારને બેરોજગારી, સ્ત્રીઓ પર અત્યાચારની ઘટનાઓ અને સરકારની નીતિઓ મામલે ઘેરવા માટે કૉંગ્રેસ દ્વારા આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં ભાષણ આપ્યું હતું.

તેમણે પોતાના ભાષણમાં ‘રેપ ઇન ઇન્ડિયા’ના પોતાના નિવેદન અંગે માફી માગવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે :

“મારું નામ રાહુલ સાવરકાર નથી, રાહુલ ગાંધી છે. હું મરી જઈશ પણ માફી તો નહીં જ માગું.”

રેલીમાં રાહુલ ગાંધીના આ નિવેદનના કારણે ‘ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સાવરકરના યોગદાન’નો મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો છે.

રાહુલ ગાંધીના નિવેદન અંગે દેશભરના રાજકારણીઓ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ મુદ્દે સૌપ્રથમ શિવસેના તરફથી પ્રતિક્રિયા આવી છે.

શિવસેનાના નેતા સંજય રાઉતે રાહુલ ગાંધીના આ નિવેદન અંગે જવાબ આપતાં કહ્યું :

“જેમ અમે પંડિત નહેરૂ અને માહત્મા ગાંધીને માનીએ છીએ, તેમ તમારે પણ વીર સાવરકરનું અપમાન તો ન જ કરવું જોઈએ.”

“સમજદાર વ્યક્તિને આનાથી વધારે કશું જ કહેવાની જરૂર હોતી નથી.”

આ મુદ્દે પ્રતિક્રિયા આપતા આરએસએસના નેતા ઇન્દ્રેશ કુમારે કહ્યું કે રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની અટક છોડી દેવી જોઈએ.

તો મહારાષ્ટ્રમાં સાથી પક્ષ એનસીપીના નેતા છગન ભૂજબળે કહ્યું કે મોટી વ્યક્તિઓની વાત આવે છે ત્યારે દરેક બાબત સાથે દરેક સહમત ન પણ હોય. સાવરકર વિશે રાહુલ ગાંધીના તેમના પોતાના વિચારો છે. સાવરકરે કહ્યું હતું કે ગાય આપણી માતા નથી પરંતુ ભાજપ તેને માતા ગણાવે છે. સાવરકરના વિચારો પણ જ્ઞાનવાદી હતા પરંતુ શું ભાજપ તેને સ્વીકારશે. નહીં સ્વીકારે.


‘સાવરકર’ નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા

રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરતાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું હતું :

“રાહુલ ગાંધી 100 જનમ લઈને પણ સાવરકર નહીં બની શકે.”

“સાવરકર વીર હતા, દેશભક્ત હતા અને તેમણે બલિદાન આપ્યું છે.”

રાહુલ ગાંધીની ભાષાને દેશવિરોધી જાહેર કરતાં સંબિત પાત્રાએ તેમની ભાષા પર આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું :

“અનુચ્છેદ 370, ઍર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક, નાગરિકતા સંશોધન કાયદા વિશે રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલે છે.”

“તેઓ ક્યારેય સાવરકરના માર્ગ પર ચાલી વીર નહીં બની શકે.”