મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પહેલા જ શિવસેના પડદા પાછળથી કૉંગ્રેસ અને એનસીપીની સાથે મળીને સરકાર બનાવવા માટે કામ કરી રહી હતી. તેમણે કહ્યું કે ચૂંટણીમાં શિવસેનાએ પોતાનું સંપૂર્ણ જોર લગાવી દીધું જેથી બીજેપીનાં એટલા નંબર આવે કે તેણે શિવસેનાનો સાથ લેવો મજબૂરી બની જાય. બીજેપી નેતાએ કહ્યું કે અમને ક્યારેય આશા નહોતી કે શિવસેના કૉંગ્રેસ પાર્ટીની સાથે ગઠબંધન કરશે.
ચૂંટણી પહેલા જ શિવસેના-કૉંગ્રેસ-એનસીપીની થઈ ગઈ હતી દોસ્તી
દેવેન્દ્ર ફડણવીસે એક વાતચીતમાં કહ્યું કે, ‘એવું લાગે છે અને હવે ધીરે ધીરે આનો ખુલાસો થતો જઇ રહ્યો છે કે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની વચ્ચે પડદા પાછળથી દોસ્તી થઈ ગઈ હતી. ચૂંટણી દરમિયાન અમને થોડો થોડો આભાસ હતો, પરંતુ આની આશા નહોતી. હવે અમને એ સ્પષ્ટ થઈ ગયું છે કે શિવસેનાએ ચૂંટણી પહેલા એનસીપી-કૉંગ્રેસની સાથે પડદા પાછળથી ગઠબંધન કરી લીધું હતુ.’
આશા નહોતી કે શિવસેના કૉંગ્રેસ સાથે મળીને બનાવશે સરકાર
બીજેપી નેતાએ કહ્યું કે, ‘શિવસેના ઇચ્છતી હતી કે ચૂંટણી પરિણામ બાદ તે એવા નંબર લાવે જેથી બીજેપી સાથે તે મોલભાવ કરી શકે. શિવસેનાનાં નેતા સીધા એનસીપી અને કૉંગ્રેસની સાથે મળીને કામ કરી રહ્યા હતા, જ્યારે તેમનું ગઠબંધન અમારી સાથે હતુ. આ ચીજો હવે ધીમે ધીમે સામે આવી રહી છે. આ ઉદ્ધવ ઠાકરેની પ્રેસ કૉન્ફરન્સ બાદ વધારે સ્પષ્ટ થઈ ગયું. અમને આ જરા પણ આશા નહોતી કે શિવસેના કૉંગ્રેસની સાથે મળીને સરકાર બનાવશે, કેમકે આ બાલા સાહેબનાં સિદ્ધાંતોની વિરુદ્ધ હતુ.’
અમારી પાસે સ્પષ્ટ બહુમત હતો
તેમણે કહ્યું કે, ‘મહારાષ્ટ્ર ચૂંટણી અમે શિવસેના સાથે ગઠબંધન કરીને લડી અને જનતાએ અમને બહુમત આપ્યો. અમારી પાસે સ્પષ્ટ બહુમત હતો. બીજેપીને 105 અને શિવસેનાને 56 સીટો મળી. આ એક સ્પષ્ટ જનાદેશ હતો, પરંતુ હુ તે સમયે આશ્ચર્યચકિત રહી ગયો જ્યારે પહેલા દિવસે ઉદ્ધવ ઠાકરેએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે તેમના વિકલ્પ ખુલેલા છે અને તેઓ કોઇપણ સાથે જઇ શકે છે.’
ફડણવીસે કહ્યું કે, ‘મે ઘણીવાર ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. ઘણીવાર ફોન કર્યો, પરંતુ તેમણે ઉઠાવ્યો નહીં. શિવસેનાએ પીએમ મોદીનાં નામે વોટ માંગ્યા હતા. આ જનમત સાથે દગો થયો છે, કેમકે આ બહુમતી બીજેપીને મળી હતી.

