2017માં રોડ તૂટવાનો મામલો, મ્યુ.કમિશનરે 23 ઈજનેરી અધિકારીઓને ચાર્જશીટ આપી, મોટા પાયે નાણાંકીય નુકસાનનો ઉલ્લેખ

ગુજરાત મુખ્ય સમાચાર

વર્ષ 2017માં તૂટેલા રોડ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 23 ઈજનેરી અધિકારીઓને ચાર્જશીટ આપી છે. જેમાં મ્યુનિસિપલ સિટી ઈજનેર અને સિટી ઈજનેર (રોડ-પ્રોજેક્ટ)નો સમાવેશ થાય છે. આ પહેલા 70થી વધુ રોડ તૂટવાની બેદરકારી અંગે વિજિલન્સ તપાસ કરી દોષિત સાબિત થયેલા ઈજનેર અધિકારીઓને દંડ તથા ઈન્ક્રીમેન્ટ કપાતની સજા કરવામાં આવી હતી. તેમજ તે સમયે(2017) એડિશનલ ઈજનેર તરીકેનો ચાર્જ સંભાળનારા ડેપ્યુટી ઈજનેર અધિકારી પી.એ.પટેલને પણ દંડ કરવામાં આવ્યો છે. એડીશનલ સિટી ઈજનેર અધિકારીઓને રૂ.1.80 લાખથી રૂ.2.25 લાખ સુધીનો દંડ કરવામાં આવ્યો છે.

નરેન્દ્રભાઈ કે મોદી-હિતેષ કોન્ટ્રાક્ટર સહિતના સિટી ઈજનેરોને ચાર્જશીટ અપાઈ
જે ઉચ્ચ અધિકારીઓને ચાર્જશીટ આપવામાં આવી છે તેમાં વર્તમાન સિટી ઈજનેર નરેન્દ્રભાઈ કે મોદી તથા રોડ પ્રોજેક્ટનો હવાલો સંભાળતા હિતેષ કોન્ટ્રાક્ટરના નામ મુખ્ય છે. નોંધનીય છે કે મ્યુનિસિપલ કમિશનરે જ નરેન્દ્ર ભાઈ કે મોદીને સિટી ઈજનેર પદે પ્રમોશન આપ્યું છે, તેમની સામે વિજીલન્સ તપાસ ચાલી રહી હોવા છતાં તેમને પ્રમોશન આપવામાં આવ્યું હતું.

કયા કયા ઈજનેરોને ચાર્જશીટ આપી
એડિશનલ સિટી ઈજનેરોમાં નરેન્દ્ર કે મોદી, હિતેષ કોન્ટ્રાક્ટર અને હરપાલસિંહ ઝાલાનો જ્યારે ડેપ્યુટી સિટી ઈજનેરોમાં મનોજ એલ સોલંકી, પરેશ ડી પટેલ, પ્રણવ શાહ અને સંજય સુથારનો સમાવેશ થાય છે. તેમજ આસિસ્ટન્ટ સિટી ઈજનેરોમાં હિરેન બારોટ, અમિત એન પટેલ, મહેશ પી પટેલ, મનોજ મજમુદાર, મિનેષ ડી શાહ, મેહુલ એસ ખરાડી તથા પ્રકાશ વિંઝુડાના નામ સામેલ છે. તેમજ આસિસ્ટન્ટ ઈજેનરોમાં કૃણાલ ગજ્જર, સુભાષ પટેલ, ભરતભાઈ વાઘડીયા, દિપ્તેશ ચૌહાણ, હિમાંશુ પંડ્યા, પરીમલ પટેલ, પ્રજ્ઞેશ પંચાલ, રોહન મિસ્ત્રી અને સુરેશ દત્તનો સમાવેશ થાય છે.

ચાર્જશીટના મુખ્ય મુદ્દાઓ
– ટેન્ડરની શરતો મુજબ ટેકનિકલ અને જનરલ સ્પેસિફિકેશનનનો અમલ ન કરવો
– મોટા પાયે નાણાંકીય નુકસાન
– યોગ્ય ફોર્મેટમાં રજીસ્ટરની જાળવણી કરવામાં અનિયમિત્તતા
– એક જ મટિરિયલનો એક કરતા વધુ સ્થળે વપરાશ કરવો અને બિલોમાં ગેરરીતિ
– સુપર વિઝનનો અભાવ
-પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ થયું નથી.

તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કેટલો દંડ અને સજા થઈ
મ્યુનિસિપલ કમિશ્નરે નવા પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન અને રોડ પ્રોજેક્ટ વિભાગના તત્કાલીન ઈજનેર અધિકારીઓને ચાર્જશીટ આપી છે. જ્યારે અન્ય ઝોનના એડીશનલ અને ડેપ્યુટી કક્ષાના અધિકારીઓને પેનલ્ટી કરીને મુક્ત કરવામાં આવ્યા છે. આમ AMC બહુચર્ચિત રોડ કૌભાંડની તપાસનો અંત આવ્યો છે તથા કસુરવાર સાબિત થયેલા ઈજનેર અધિકારીઓને દંડ અને ચાર્જશીટ આપવા સુધીની સજા કરવામાં આવી છે. મ્યુનિસિપલ વિજીલન્સ તપાસ પૂર્ણ થયા બાદ સજાના પ્રથમ ભાગમાં વોર્ડ લેવલના અધિકારીઓને રૂ.50 હજાર સુધીનો દંડ કરવામાં આવ્યો હતો. સજાના બીજા ભાગમાં દોષિત અધિકારીઓના ઈજાફા કાપી લેવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજા અને અંતિમ ભાગમાં 23 અધિકારીઓને ચાર્જશીટ આપવામાં આવી છે. તેમની તપાસ માટે નિવૃત્ત જજની નિમણૂંક કરવામાં આવશે.