2008માં કલેક્ટર કચેરીમાં તોડફોડ કેસ, બે પૂર્વ MP-બે પૂર્વ MLA અને વાંકાનેરના ધારાસભ્ય સહિત 12 દોષિતોને એક વર્ષની સજા

ગુજરાત મુખ્ય સમાચાર

2008ની સાલમાં જસદણના તે સમયના કોંગેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાની જમીન કૌભાંડના મામલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. બાદમાં ટોળું વિફરતા કલેક્ટર કચેરીમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસે તે સમયે 179 કોંગી આગેવાનો સહિત 1500 લોકો સામે ગુનો નોંધ્યો હતો. આજે રાજકોટની નામદાર કોર્ટમાં તેનો ચુકાદો આવતા 12ને દોષિત ઠેરવી તમામને એક વર્ષની સજા અને 5 હજારનો દંડ ફટકાર્યો છે. સ્વ. વિઠ્ઠલ રાદડિયા (પૂર્વ સાંસદ પોરબંદર, ભાજપ) અશોક ડાંગર (શહેર કોંગ્રેસ પ્રમુખ, રાજકોટ), જસવતસિંહ ભટ્ટી (કોંગ્રેસ આગેવાન, રાજકોટ), મહેશ રાજપૂત (કાર્યકારી પ્રમુખ, કોંગ્રેસ રાજકોટ), ઇન્દ્રનીલ રાજ્યગુરૂ (કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, રાજકોટ), ભીખુભાઇ વાડોદરીયા (પ્રદેશ કોંગ્રેસ આગેવાન, જામનગર), ગોવિંદભાઈ રાણપરિયા (ડેરીના ચેરમેન, રાજકોટ), દેવજી ફાતેપરા (પૂર્વ સાંસદ, ભાજપ), જાવેદ પીરજાદા (ધારાસભ્ય વાંકાનેર, કોંગ્રેસ), ભીખાભાઇ જોશી (ધારાસભ્ય, કોંગ્રેસ) , ગોરધન ધામેલીયા (સહકારી આગેવાન ભાજપ, રાજકોટ) અને પોપટભાઇ જીંઝરીયાનો સમાવેશ થાય છે. આ 12 પૈકી વિઠ્ઠલ રાદડિયા અને પોપટભાઇ જીંઝરીયા આવસાન પામ્યા છે. 12 દોષિતોએ સેશન કોર્ટમાં અપીલ સમયગાળામાં કરતા તમામ જામીન મેળવી મુક્ત થયા છે.

આજે ચુકાદા વખતે ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા હાજર ન રહ્યા

2008માં તત્કાલીન કોંગી ધારાસભ્ય કુંવરજી બાવળિયાની જમીન કૌભાંડના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરીએ ધરણાં પર બેઠા હતા. તે સમયે મામલો બીચકતા ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ કેસમાં 179 કોંગી આગેવાનો સહિત 1500 લોકોના ટોળા સામે આઈપીસી કલમ 143, 147, 149, 186, 188 તથા પબ્લીક પ્રોપર્ટીના નુકશાન કરવાની કલમ 3-7 મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. રાજકોટની કોર્ટમાં આ કેસ ચાલી જતા આજે અદાલતે 12 રાજકીય આગેવાનોને તકસીરવાન ઠેરવ્યા છે. આઈપીસી કલમ 143, 147, 149 તથા રાયોટીંગના ગુનામાં તકસીરવાન ઠેરવવામાં આવ્યા છે. આ અંગે પોલીસે ગેરકાયદે મંડળી રચી, પબ્લીક પ્રોપર્ટીને નુકશાન કરી રાયોટીંગ સહિતના ગુનામાં આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આજે ચુકાદા વખતે ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા હાજર ન હતા એટલે અદાલતે તેમને સાંજ સુધીમાં હાજર થવાનો હુકમ કર્યો છે.

આ કેસમાં સરકારી પક્ષે એડવોકેટ એચ.ડી. ચૌધરી હતા

4 ડિસેમ્બર 2008ના રોજ કોંગ્રેસના તત્કાલીન આગેવાનો કલેક્ટરને રજૂઆત કરવા ગયા હતા. બાવળિયાની ધરપકડ રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી હોવાનું જણાવીને આવેદન આપવાનો કાર્યક્રમ હતો. તે દરમિયાન ટોળુ ઉશ્કેરાયુ હતું અને કલેક્ટર કચેરીમાં તોડફોડ કરી હતી. આ કેસમાં પ્રદ્યુમનનગર પોલીસે ઉક્ત આગેવાનો સહિત 179 કાર્યકરો સામે ગુનો દાખલ કર્યો હતો. આ કેસ 11 વર્ષ ચાલ્યો હતો. તેમાં કુલ 56માંથી 49 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાં 8 પંચ, 12 સરકારી અધિકારી, 33 પોલીસ કર્મચારી સામેલ હતા. આ કેસમાં સરકારી પક્ષે એડવોકેટ એચ.ડી. ચૌધરી હતા. ચાર્જશીટમાં દિવંગત સાંસદ વિઠલભાઈ રાદડીયા તથા પોપટભાઈ ઝીંજરીયાના પણ નામો હતા. અદાલતે આ તમામ આગેવાનોને એક એક વર્ષની કેદ અને 5-5 હજારનો દંડ ફટકાર્યો છે. આ અંગે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ માટે આ શરમજનક સ્થિતિ ઉભી થઇ છે. આ ઘટનાને ઘણી દુખજનક કહી શકાય. પબ્લિક પ્રોપર્ટીને નુકસાન ન પહોંચાડવું જોઇએ. આ ચુકાદાથી શહેર કોંગ્રેસને બહુ મોટો ફર્ક નહીં પડે. વિપક્ષને ચોક્કસ મુદ્દો મળી જશે.