કલમ 370નું હટવું તે સૈનિકોને સાચી શ્રદ્ધાંજલી: RAF પરેડ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાબરમતી વિસ્તારમાં ભાજપના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ હતું. અમિત શાહે દીપ પ્રાગ્ટય કરી ઓફિસ નિહાળી હતી. જે બાદ તેઓ ઓફિસની સામે આવેલા મ્યુન્સિપલ હોલની મુલાકાત લીધી હતી.

જો કે અમિત શાહે ત્યાં હાજર કાર્યકર્તાઓને સંબોધ્યા ન હતા. છેલ્લી ઘડીએ અમિત શાહનું સ્ટેજ પર સ્વાગત અને સંબોધન કરે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, પરંતુ આ અંગે અમિત શાહને જ જાણ કરવામાં ન આવતા તેઓ અન્ય કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતા રહ્યાં હતા. જો કે કાર્યકર્તાઓનો ઉત્સાહ ઘટે નહીં અને નારાજ ન થાય તે માટે તેઓએ તમામ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી.

આરએએફની 27મી વર્ષગાંઠ નિમિતે વસ્ત્રાલ સ્થિત હેડકવાર્ટરમાં પરેડ યોજાઈ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે આરએએફ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહે પ્રથમ પરેડનું નીરિક્ષણ કર્યું હતું. અમિત શાહે આર્ટિકલ 370 હટાવવાની વાતનો ઉલ્લેખ કરી જવાનોના બલિદાનને સાચું સન્માન આપ્યું હોવાનું જણાવ્યું છે. પરેડ બાદ જવાનોને સન્માનિત કરી, શહીદ જવાનોના પરિવારને રાષ્ટ્રપતિ વિરતા પુરસ્કાર એનાયત કરાયો હતો. અમિત શાહે રાષ્ટ્રીય પોલીસ સ્મારકનો પણ ઉલ્લેખ કરી, પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવશે તેમ જણાવ્યું. સાથે જ તેનો લોગો અને ચિન્હ 31મી ઓક્ટોબરે લોકાર્પણ કરવાની વાત રજૂ કરી હતી.