ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરનારી કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ બુધવારે પોતાની જ પાર્ટી પર આક્ષેપ કર્યો છે કે પક્ષમાં એવા પાગલોનું મહત્વ વધી રહ્યું છે જે મહિલાઓ સાથે ખરાબ વર્તન કરે છે.
પ્રિયંકાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, એ જોઇને અત્યંત દુ:ખ થાય છે કે જે લોકો મહેનત કરીને પોતાનું સ્થાન બનાવી રહ્યા છે તેને બદલે ખરાબ વર્તણૂંક કરનારા લોકોને પાર્ટીમાં મહત્વ અપાઇ રહ્યું છે. મેં પાર્ટી માટે લોકોની ગાળો અને પથ્થર પણ ખાધા છે, પરંતુ હવે પાર્ટીમાં જ મારી સાથે ગેરવર્તણૂંક થઇ રહી છે.
પ્રિયંકાએ ઉમેર્યું હતું કે, મને ધમકાવનારા લોકો કોઇપણ કાર્યવાહી વગર છૂટી જાય છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. આ ટ્વીટ સાથે એક પત્ર પણ એટેચ કર્યો છે. પત્ર પ્રમાણે મથુરામાં રાફેલ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જ્યાં પાર્ટીના કેટલાક નેતાઓએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જો કે તેમની ફરિયાદ બાદ પાર્ટીએ તેમની હકાલપટ્ટી કરાઇ હતી પરંતુ બાદમાં ફરીથી તેમને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા.