પ્રાઈવેટ ટ્રેન તેજસ મોડી ન પડે, તે માટે સરકારી 33 ટ્રેનોનાં સમય બદલી નાખ્યા

ગુજરાત

આજે અમદાવાદથી તેજસ ટ્રેનની શરૂઆત થઈ જશે. આ પ્રાઈવેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે. અને સીએમ વિજય રૂપાણી અને રેલમંત્રી પિયુષ ગોયેલે તેને લીલીઝંડી આપી છે. પણ આ પ્રાઈવેટ ટ્રેનને સફળ બનાવવા માટે સરકારે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી દીધું છે. પહેલાં જ દિવસે તેજસ ટ્રેન મોડી ન પડે તે માટે સરકારી ટ્રેનોનાં સમયમાં ફેરફાર કરાયો છે. તેજસ ટ્રેન મોડી પડે તો રિફંડની પણ સુવિધા અપાય છે, તેથી તેજસ રિફંડ ન આપવું પડે તે માટે પણ આ ગોઠવણ કરાઈ છે.

તેજસ ટ્રેનનાં કારણે અન્ય 33 ટ્રેનોનાં સમયમાં લગભગ 55 મિનિટ સુધીનો સમય બદલવામાં આવ્યો છે. ત્યારે તેને કારણે દરરોજ અપ-ડાઉન કરતાં નોકરિયાત લોકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. એક પ્રાઈવેટ ટ્રેન માટે સસ્તી સરકારી ટ્રેનોનો સમય બદલાતાં નોકરિયાત વર્ગને મોડું થયું હતું. ત્યારે લોકોમાં ચર્ચા છે કે, આ તે કેવો ન્યાય! એક પ્રાઈવેટ ટ્રેન માટે અન્ય ટ્રેનોનાં સમયમાં કેમ ફેરફાર કરાયો. અન્ય ટ્રેનો કલાકો સુધી લેટ પડે એ ચાલે.

તેજસ ટ્રેન અમદાવાદથી સવારે 6.40એ ઉપડી બપોરે 1.10એ મુંબઈ પહોંચશે. આ ટ્રેન 1 કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂ.100 અને 2 કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂ.250 વળતર ચૂકવવામાં આવશે. તેથી આ ટ્રેન મોડી ન પડે અને મુસાફરોને રિફંડ ન ચૂકવવું પડે તે માટે પણ સરકારે આ ગોઠવણ કરી છે. અને સરકારી ટ્રેનોમાં ધક્કા મુસાફરી કરતાં લોકોને વધુ ધક્કા ખાવા માટે મજબૂર કર્યા છે.