સાયબર ક્રાઈમના સોશિયલ મોનિટરિંગ સેલમાં હાલમાં લોકોની સોશિયલ મીડિયાની એક્ટિવિટી પર વોચ રાખવામાં આવી રહી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર કોઇ અફવા ફેલાવે તેવા કે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અસર થાય તેવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય તો તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલમાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વોચ રાખી રહી હતી ત્યારે ફેસબુક પર ફૈઝલ ખાન યુસુફ ઝાલ નામની પ્રોફાઈલ ચેક કરતા તેમાં 15 એપ્રિલના રોજ બિગ બ્રેકીંગ મથાળું લખી તેની નીચે હિન્દીમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે મતલબની પોસ્ટ કરવામાં આવી હતી.
જોકે મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ અંગેની માહિતી ગુજરાત સરકાર કે વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં ફૈઝલ ખાન યુસુફ ફેસબુક પ્રોફાઈલના ધારકે આ પોસ્ટ વાઇરલ કરતાં તેના વિરૂદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

