ટુર્નામેન્ટમાંથી લગભગ ફેંકાઈ ગયેલી તેમ છતાં હજી પણ એવી જ જોખમી એવી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ગુરુવારે ટુર્નામેન્ટ ફેવરિટ ભારત સામે ટકરાશે ત્યારે તેમના ભાવિનો ફેંસલો થઈ જશે. વેસ્ટ ઇન્ડિઝને હવે બાકી રહેલી તમામ મેચ જીતવી ફરજિયાત છે જ્યારે ભારત માટે આગામી એકાદ બે મેચના વિજય તેને સેમિફાઇનલમાં પહોંચાડી દેશે. આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ગુરુવારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મુકાબલો થશે. જે ભારતીય સમય મુજબ બપોરે 3.00 કલાકે શરૂ થશે.
બે દિવસ અગાઉ અફઘાનિસ્તાન સામેની મેચમાં એક તબક્કે ભારત જોખમમાં આવી ગયું હતું. જેનો અંત સારો તેનું બધું જ સારું એ રીતે જોઇએ તો અંતે ભારતે મેચ જીતી લીધી હતી પરંતુ મોહમ્મદ શમીની હેટ્રિક કે જસપ્રિત બુમરાહની વેધક બોલિંગને બાદ કરીએ તો ભારત પરાજયની નજીક પહોંચી ગયું હતું.
વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત ખામીઓ દૂર કરવાનો પ્રયાસ કરશે કેમ કે કેરેબિયન્સને હવે કાંઈ ગુમાવવાનું નથી. વેસ્ટ ઇન્ડિઝ વિશે કોઈ અટકળ કરી શકાય તેમ નથી. તેઓ એક મેચમાં સાવ સામાન્ય દેખાવ કરીને હારી જતા હોય છે તો બીજી મેચમાં અત્યંત પ્રભાવશાળી દેખાવ કરીને હરીફને અચંબામાં મૂકી શકે છે.
વેસ્ટ ઇન્ડિઝ માટે અતિ મહત્વની આ મેચમાં ભારત માટે અનેક પાસાઓ વિચારવા યોગ્ય છે.
તાજેતરના વર્ષોમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતનું પ્રભુત્વ રહ્યું છે. 2013ના નવેમ્બર બાદ બંને વચ્ચે રમાયેલી મેચોમાં ભારતે દસ અને વેસ્ટ ઇન્ડિઝે ચાર મેચ જીતી હતી તો એક મેચ ટાઈ અને એક મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી છે.
બંને ટીમઃ
ભારતઃ વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિજય શંકર, હાર્દિક પંડ્યા, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્રસિંહ ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, રવીન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, રિશભ પંત.
વેસ્ટ ઇન્ડિઝઃ જેસન હોલ્ડર (સુકાની), ક્રિસ ગેઇલ, શાઈ હોપ, શિમરોન હેતમેયર, કાર્લોસ બ્રાથવેટ, શેલ્ડન કોટ્રેલ, ઓશાને થોમસ, કિમર રોચ, એશ્લે નર્સ, નિકોલસ પૂરન, સુનીલ એમ્બ્રિસ, એવિન લેવિસ, શેનોન ગેબ્રિયલ, ડેરેન બ્રાવો, ફેબિયન એલન.

