શિવસેના પોતાનો દાવો પુરવાર ન કરી શકતાં મહારાષ્ટ્રના રાજ્યપાલે એનસીપીને આજે રાત્રે સાડા આઠ સુધીમાં પોતાના પ્રધાન મંડળની યાદી સુપરત કરવાનો સમય આપ્યો હતો પરંતુ એ પણ શક્ય ન બને એવા અણસાર દેખાતા હતા.
એનસીપીના નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે કોંગ્રેસ તરફ નારાજી વ્યક્ત કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ ટેકાનો પત્ર કેમ સમયસર આપતો નથી ? કોંગ્રેસનો પત્ર ન મળે ત્યાં સુધી એનસીપી પણ એકલે હાથે સરકાર રચી શકે એવી કોઇ શક્યતા નહોતી.
એનસીપી શિવસેના સાથે સરકાર રચતાં ખંચકાય છે એવું જ કેટલેક અંશે કોંગ્રેસનું છે. કોંગ્રેસે અત્યાર સુધી સેક્યુલર હોવાનો ડોળ ઘાલી રાખ્યો હતો. શિવસેના કટ્ટર હિન્દુવાદી છે. એની સાથે હાથ મિલાવતાં કોંગ્રેસ રહી સહી પ્રતિષ્ઠા પણ ગુમાવી બેસે એવી શક્યતા છે.
આમ અત્યારે હુકમનું પાનું કોંગ્રેસના હાથમાં છે. કોંગ્રેસ એનસીપીને ટેકાનો પત્ર ન આપે ત્યાં સુધી એનસીપી પણ મહારાષ્ટ્રમાં સરકાર રચી શકે એેવી કોઇ સ્થિતિ રહી નથી. એક અહેવાલ મુજબ શરદ પવાર ફરી એકવાર શિવસેનાના સંજય રાઉતને મળવા ગયા હતા.
સંજય રાઉત હાલ વાંદરા ઉપનગરની લીલાવતી હૉસ્પિટલમાં છે. છેલ્લા થોડા દિવસના ટેન્શનના પગલે એમને હાઇપર ટેન્શન થયું હતું. એ કોઇ પણ ભોગે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યને મુખ્ય પ્રધાન બનાવવા માગતા હતા.