કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં ખૂબ વ્યસ્ત છે. તેઓ સતત રેલી કરી રહ્યા છે. પરંતુ શુક્રવારે તેમના હેલિકોપ્ટરમાં અચાનક કંઈક ખામી આવી ગઈ હતી. ટેક્નીશિયન હેલિકોપ્ટરના દરવાજામાં જે તકલીફ સર્જાઈ હતી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તેમની સાથે રાહુલ ગાંધી પણ જોડાઈ ગયા હતા. રાહુલ ગાંધી પણ તેમની હેલિકોપ્ટરનો દરવાજો રિપેરિંગમાં મદદ કરવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ ગયો છે.
ઘટના હિમાચલ પ્રદેશના ઉનાની છે. રાહુલ ગાંધીએ તે સાથે જોડાયેલી અમુક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, સારા ટીમ વર્કનો અર્થ હોય છે કે, દરેક લોકો સાથે મળીને કામ કરે. રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, ઉનામાં તેમના હેલિકોપ્ટરમાં કઈક ખામી સર્જાઈ ગઈ હતી. જોકે રાહુલ ગાંધી અને પાઈલટે ભેગા મળીને આ પ્રોબ્લેમને બહુ જલદી દૂર કરી દીધી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં તેઓ જમીન સુધી નમીને હેલિકોપ્ટરમાં કઈક તપાસ કરી રહ્યા હતા. રાહુલ ગાંધીના ફેસબુક પેજથી પણ આ ઘટનાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જોકે ફેસબુક ઉપર પણ રાહુલ ગાંધીએ લખ્યું છે કે, હેલિકોપ્ટરમાં કોઈ ગંભીર ખામી નહતી સર્જાઈ.
સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો આ વીડિયો ઘણો વાયરલ થયો છે. અમુક લોકોએ આ વાયરલ વીડિયોમાં રાહુલ ગાંધીના વખાણ કર્યા છે જ્યારે અમુક લોકોએ તેને રાહુલનો સ્ટંટ ગણાવ્યો છે. ફેસબુક પર રાહુલ ગાંધીનો આ વીડિયો 22 કલાકમાં 11 લાખથી વધુ લોકોએ જોયો છે. વીડિયો પર 7700 કરતા વધુ કમેન્ટ્સ પણ આવી છે.