શું ચીનની ઘાતક પરમાણું સબમરિન માત્ર ‘શોભાનો ગાંઠીયો’? નિષ્ણાંતોએ ઉઠાવ્યા ગંભીર સવાલ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ચીની નેવીની વધતી જતી તાકાતને લઈ સમગ્ર દુનિયા શંકાની દ્રષ્ટિએ જોઈ રહી છે, પણ સેનાના વિશેષજ્ઞોએ તેની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. કહેવાઈ રહ્યું છે કે, સપ્ટેમ્બર 2017 બાદ ચીનની એક પણ પરંપરાગત અને પરમાણુ સબમરિન હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવી નથી. જેનાથી ચીની સબમરિનની લાંબી દૂરી સુધીની તહેનાતીની ક્ષમતા પર સવાલ ઉભા થવા લાગ્યા છે.

રક્ષા સુત્રોએ જણાવ્યું કે, છેલ્લી વાર ચીની પરમાણુ પનડુબ્બી ઓગસ્ટ 2018માં હિંદ મહાસાગર પાસે આવી હતી, પણ ઈન્ડોનેશિયા પાસે સુંડા સ્ટ્રેટથી પરત પોતાના દેશ જતી રહી હતી. તેની સાથે ચાલી રહેલું પનડુબ્બી બચાવ જહાજ કોલંબો સુધી આવ્યું હતું, પણ તે પણ પરત ફરી ગયું હતું. વર્ષ 2017માં છેલ્લી વાર તહેનાતી પહેલાં ચીન દર ત્રણ મહિને પોતાની પરંપરાગત અથવા ન્યુક્લિઅર સબમરિનને હિંદ મહાસાગરમાં મોકલતું રહ્યું છે.

ચીનની સબમરિન આફ્રિકા અથવા પાકિસ્તાનના કરાચીમાં જતી હતી. ચીને ડિસેમ્બર 2013થી પોતાની સબમરિનને હિંદ મહાસાગરમાં મોકલવાનું શરૂ કર્યું હતું. આ સબમરિન દક્ષિણ પૂર્વ એશિયા થઈને મલક્કા જલડમરુ ક્ષેત્રના રસ્તે હિંદ મહાસાગરમાં પ્રવેશ કરતી હતી. ચીની નેવી દરિયામાં ડાકુઓને રોકવાનું બહાનું લઈને ખાડીમાં તહેનાત પોતાના જહાજને હિંદ મહાસાગર અને અરબ સાગરમાં મોકલતી હતી, પણ તેને લઈને પણ વિશેષજ્ઞોએ સવાલ ઉઠાવ્યા છે. તેઓનું કહેવું છે કે, દરિયાઈ લૂંટારા ખુબ જ ઓછી ક્ષમતા અને ઉપકરણોવાળી બોટનો ઉપયોગ કરે છે. એવામાં તેમની વિરુધ્ધ અત્યાધુનિક જહાજને તહેનાત કરવું સમજની બહાર છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ભારત સતત પોતાના ક્ષેત્રને સ્કેન કરે છે અને ચીની સબમરિન પર નજર બનાવી રાખે છે.

ચીન સતત પોતાની સબમરિનના બેડાની તાકાત વધારી રહ્યો છે. તેનો પ્રયાસ છે કે, સમુદ્રી વેપારની રક્ષા માટે લાંબી દૂરીની મારક ક્ષમતા હાંસલ કરવામાં આવે. આ સાથે તે પોતાના જહાજો દ્રારા દુનિયાને પોતાની તાકાત દેખાડવા માગે છે. ભારતે પણ ચીનની આ ચાલને સમજીને પોતાની સબમરિનની કિલિંગ ક્ષમતાને વધારવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.