વિપક્ષ આરોપો લગાવી રહ્યો છે કે નરેન્દ્ર મોદીએ પોતાના માનિતા અનિલ અંબાણીને ૩૦ હજાર કરોડથી વધુનો ફાયદો પહોંચાડવા રફાલનો કોન્ટ્રાક્ટ આપી દીધો. બીજી તરફ હવે અનિલ અંબાણીની કંપની આરકોમને સત્તાવાર રીતે નાદાર જાહેર કરી દેવામાં આવી છે. જે સાથે આ કંપની વિરુદ્ધ નાદારીની કાર્યવાહી શરૃ કરી દેવામાં આવી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલે સ્વીકાર્યું હતું કે અનિલ અંબાણીની કંપની રિલાયંસ કોમ્યુનિકેશન (આરકોમ)ને નાદાર જાહેર કરવામાં આવે છે અને તેની વિરુદ્ધ આગામી કાર્યવાહી હાથ ધરાઇ છે.
રિલાયંસ કોમ્યુનિકેશને બેંક પાસેથી ૫૦ હજાર કરોડ રૃપિયાની લોન લીધી હતી, જેની ભરપાઇ કરવામાં નિષ્ફળ અનિલ અંબાણીની કંપનીના ડાયરેક્ટર બોર્ડને ભંગ કરી દીધુ છે અને તેના સંચાલન માટે રિઝોલ્યૂશન પ્રોફેશનલની નિમણુંક કરી છે. સાથે જ તેણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ની આગેવાની વાળી ૩૧ બેંકોને પણ સીઓસી બનાવવાની છુટ આપી દીધી છે.
ટ્રિબ્યૂનલમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે રિલાયંસ કોમ્યુનિકેશને ૩૫૭ દિવસ (૩૦ મે, ૨૦૧૮થી ૩૦ એપ્રીલ, ૨૦૧૯) નાદારી પ્રક્રિયામાં છુટ આપવાની માગણી કરી હતી. જોકે વીપી સિંહ અને આર દુરઇસામીની બેંચે કહ્યું કે આ મામલાને કાયદા પ્રમાણે હવે આગળ વધારવો જોઇએ. અનિલ અંબાણીને રફાલ સોદાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે અને તે ફ્રાન્સની કંપની સાથે ઓફસેટ પાર્ટનર છે, બીજી તરફ તેની કંપનીને હવે નાદાર જાહેર કરી દેવામાં આવી છે.
તેથી હવે રફાલ સોદાને ખરેખર પાર પાડી શકશે કે કેમ તેને લઇને વિપક્ષ પણ સવાલો ઉઠાવવા લાગ્યો છે, કેમ કે દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ મનાતા રફાલ વિમાનોનું ઉત્પાદન કરવામાં ફ્રાન્સની કંપની સાથે અનિલ અંબાણીની કંપની પણ જોડાઇ છે. હાલ તેની પાસે જો પૈસા જ ન હોય તો તે રફાલ વિમાનોનું ઉત્પાદન કેવી રીતે કરશે તેને લઇને પણ વિપક્ષ સવાલો કરી રહ્યો છે.
દેશના ખેડૂતો લોન લે અને તેને ભરપાઇ ન કરી શકે તો બેંકો જમિન જપ્ત કરવાની નોટિસ મોકલી દે છે અને બીજી કોઇ લોન નથી આપતી જ્યારે અનિલ અંબાણીની એક કંપનીને બેંકરપ્ટ જાહેર કરવામાં આવી છે અને બીજી તરફ ડિફેન્સ સોદો પણ મળી ગયો છે જેને લઇને વિપક્ષ દ્વારા અનેક સવાલો ઉઠાવાઇ રહ્યા છે.