અમદાવાદ: કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં બનેલી ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સંચાલક ઘનશ્યામ પટેલના બચાવમાં આવી ગયું છે. રાઈડની ચકાસણીની જવાબદારી માર્ગ-મકાન વિભાગની છે અને તેઓ પણ વર્ષમાં એક જ વાર તપાસ કરતા હોવાનું બહાર આવ્યું છે. જે તે સંચાલક જ ટેકનિકલ માણસો પાસે ઇન્સ્પેકશન કરાવી ફિટનેસ સર્ટિફિકેટ મેળવી લેતા હોય છે અથવા ડાયરેક્ટર ઓફ ઝૂને મોકલી આપે છે. કાંકરિયા ઝૂના ડાયરેક્ટર આર.કે.સાહુએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાઈડનું ઇન્સ્પેકશન કરી ફિટનેસ સર્ટિફિકેટ જે તે એજન્સી/કોન્ટ્રકટરના એન્જિનિયર અને ટેકનિકલ માણસો જ આપતા હોય છે. માર્ગ અને મકાન વિભાગ લાયસન્સ આપતું હોય છે. વર્ષમાં એકવાર તપાસ કરવામાં આવે છે.
ફિટનેસ રિપોર્ટ પોલીસ કે કોર્પો.નો ટેકનિકલ વિભાગ નહીં પણ એજન્સી ચેક કરે છે
કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાંની તમામ રાઇડોનું 1થી 10 તારીખમાં ઇન્સ્પેકશન કરી તેનો રિપોર્ટ ડાયરેક્ટર ઓફ ઝૂને સોંપવામાં આવે છે. આ ફિટનેસ અને ઇન્સ્પેકશનનો રિપોર્ટ કોઈ ફાયર, માર્ગ અને મકાન વિભાગ, કોર્પોરેશનના ટેકનિકલ વિભાગ કે પોલીસ દ્વારા તપાસાવાને બદલે જેતે એજન્સીને કોન્ટ્રાક્ટ આપી તપાસવામાં આવે છે. તેના જ ખાનગી ટેકનિકલ માણસો ઇન્સ્પેકશન કરીને ફિટનેસ રિપોર્ટ આપે છે. ત્યારબાદ તેની કોઈ પણ તપાસ કરવામાં આવતી નથી. માત્ર રિપોર્ટ લઈ કોઈ ફાઈલમાં મૂકી દેવામાં આવે છે. રિપોર્ટમાં કોઈપણ ખામી દર્શાવવામાં આવી હોય તો તેને દૂર કરી દેવામાં આવી છે અને રાઈડ ચલાવવા માટે ફિટ છે તેવું સર્ટિફિકેટ પણ આપી દે છે. કોર્પોરેશન માત્ર જગ્યા ફાળવી અને નફામાં 10 ટકા ભાગની લાલચમાં કોઈ ચકાસણી કરતું નથી અને સંચાલકો સાથે તેઓ મિલિભગત કરી નબળી ગુણવત્તા વિનાની રાઇડો ચલાવે છે.