લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. તેમાં એવો ખુલાસો કરાયો છે કે તિવારીને પહેલા તેના ચહેરા પર ગોળી મારવામાં આવી હતી. ત્યારપછી શરીર પર ચાકુથી 15 જેટલા ઘા કરાયા હતા. ચાકૂના પ્રહારથી ડોક પર 12 સેન્ટિમીટર લાંબા અને ત્રણ સેમી ઉંડા ઘા પડ્યા હતા. કમલેશ તિવારીના ગળા પર બે ઊંડા ઘાના નિશાન હતા.આથી ગળું કાપવાનો પ્રયાસ થયો હોય તેવું પણ જણાય છે. પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરે કમલેશની ખોપડીના પાછલા હિસ્સામાંથી ગોળી કાઢી હતી. 18 ઓક્ટોબરે બે હત્યારાઓએ કમલેશ તિવારીની તેના ઘરમાં જ આવેલા કાર્યાલયમાં હત્યા કરી હતી.
હત્યારાઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર UP મોકલાયા
ગુજરાત એટીએસએ મંગળવારે હત્યાના આરોપી અસફાક અને મોઈનુદ્દીનને ગુજરાત-રાજસ્થાનની સીમાએ શામળાજીથી ઝડપી લીધા હતા. બંનેએ આ હત્યાને શરિયા હેઠળ યોગ્ય ઠરાવી હતી. બુધવારે અમદાવાદની અદાલતે બંનેને ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર યુપી પોલીસને સોંપી દીધા હતા.