શપથ ગ્રહણ પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ PM મોદીને લગાવ્યો ફોન પરંતુ સસ્પેન્સ યથાવત

મુખ્ય સમાચાર રાજકીય

ઉદ્ધવ ઠાકરે આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શિવાજી પાર્કમાં સાંજે 6.40 વાગે શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહને ભવ્યાતિભવ્ય બનાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે. આ સમારોહમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. કડવાશ ભૂલી ઉદ્ધવે વડાપ્રધાન મોદીને પણ ફોન કરીને શપથ સમારોહના કાર્યક્રમનું આમંત્રણ આપ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ઉદ્ઘવની સાથો સાથ શિવસેના, કોંગ્રેસ-એનસીપીના 2-2 મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે. ત્રણેય પક્ષની બુધવારે સાંજે થયેલી બેઠક પછી મંત્રાલયની વહેંચણી વિશે અંતિમ સહમતી સધાઈ હતી. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે આ મામલે સ્પષ્ટિકરણ પણ આપ્યું હતું. પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જયંત પાટિલ આગામી ઉપમુખ્યમંત્રી બની શકે છે. પટેલના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસને સ્પીકર પદ આપવામાં આવશે. વિધાનસભામાં એક ડેપ્યૂટી સીએમ પણ હશે અને તે પદ એનસીપીને આપવામાં આવશે.

આદિત્ય ઠાકરેએ દિલ્હી જઈ સોનિયા ગાંધી અને મનમોહન સિંહને આપ્યુ આમંત્રણ

ગઈ કાલે બુધવારે મોડી રાતે આદિત્ય ઠાકરે તત્કાળ સોનિયા ગાંધીને શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ આપવા તેમના ઘરે 10 જનપથ પહોંચ્યા હતા. આદિત્યએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ સમારોહમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, તેઓ આશિર્વાદ લેવા આવ્યા છે

આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી. દ્રમુક અધ્યક્ષ એમકે સ્ટાલિન, મધ્ય પ્રદેશના સીએમ કમલનાથ, રાજસ્થાનના સીએમ અશોક ગહલોત, સપા પ્રમુખ અખિલેશ યાદવ, જેડીએસ પ્રમુખ એચડી દેવગૌડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપ્યું હતુઉં. શિવસેના તરફથી મહારાષ્ટ્રમાં આત્મહત્યા કરનાર 400 ખેડૂતોના પરિવારજનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

કેમ શિવાજી પાર્ક જ?

શિવાજી પાર્કનું આ એ જ મેદાન છે, જ્યાં તાજેતરમાં શિવસેનાની દશેરા રેલીમાં પાર્ટી નેતા સંજય રાઉતે જાહેરાત કરી હતી કે, મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી શિવસેનાના જ હશે. બાલા સાહેબના અંતિમ સંસ્કાર પણ અહીં જ કરવામાં આવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ માટે જ્યાં સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે તેની પાછળ જ છત્રપતિ શિવાજી મહારાજની ખૂબ મોટી પ્રતિમા છે. તે સાથે જ બાલા સાહેબનું સ્મારક પણ બનાવવામાં આવેલુ છે.