જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી આર્ટિકલ ૩૭૦ને નાબુદ કરી દેવામાં આવી છે. જેને પગલે હવે કાશ્મીર પચાવી પાડવાના સપના જોઇ રહેલા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાને સરહદે આતંકીઓની સંખ્યા વધારી દીધી છે, સાથે હવે સરહદે કાશ્મીર સાથે જે વ્યાપાર થતો હતો તેને પણ બંધ કરી દીધો છે. એટલુ જ નહીં ભારતીય વિમાનોને પાકિસ્તાનમાં પ્રવેશતા અટકાવવા માટે ભારત માટે એરસ્પેસ પણ બંધ કરી દીધો છે.
પાકિસ્તાનના નિર્ણયને પગલે હવે પાકિસ્તાન તરફ હવે ભારતનું કોઇ જ વિમાન હાલ નહીં જઇ શકે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા માટેની બેઠક બોલાવી હતી, આ બેઠકમાં જ ભારત વિરોધી નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠક બાદ સરકારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ઇમરાન ખાન, સૈન્ય અધિકારીઓ અને વહીવટી વિભાગના અધિકારીઓએ બેઠકમાં નિર્ણય લીધો છે કે હવેથી ભારત સાથેના ડિપ્લોમેટિક સંબંધો પર હવે વિરામ મુકવામા આવશે, જોકે હાલ આ સંબંધોને ઘટાડી દેવાયા છે અને આગામી દિવસોમા કાયમ માટે પુરા કરવાની ધમકી આપી છે.
આ ઉપરાંત પાકિસ્તાને કહ્યું છે કે ભારત સાથેના વ્યાપારને પણ હાલ સસ્પેન્ડ કરવામાં આવે છે. જોકે આ નિર્ણયોથી પાકિસ્તાન પોતાના જ પગ પર કુવાડો મારી રહ્યું છે કેમ કે વ્યાપાર બંધ કરવાથી પાકિસ્તાનને જ વધુ નુકસાન થશે. આ ઉપરાંત એવી ધમકી આપી હતી કે ભારતે કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબુદ કરી તેને હવે સંયુક્ત રાષ્ટ્ર તેમજ સુરક્ષા પરિષદમાં પડકારવામાં આવશે.
સાથે અન્ય કેટલાક નાટકો કરવાની જાહેરાત પણ પાકિસ્તાને કરી હતી, દર વર્ષે ૧૪મી ઓગસ્ટે પાકિસ્તાન સ્વતંત્રતા દિન ઉજવે છે, જોકે આ વખતનો સ્વતંત્રતા દિન પાકિસ્તાન કાશ્મીરના સમર્થનમાં ઉજવશે તેવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત પાકિસ્તાની સૈન્યને પણ આદેશ આપવામાં આવ્યા છે કે સરહદે ચાંપતી નજર રાખવામાં આવે.
ઇમરાન ખાને જે બેઠક બોલાવી હતી તેમાં સંરક્ષણ, વિદેશ, આઇએસઆઇના વડા, સૈન્યના અધિકારીઓ પણ સામેલ હતા. પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા કાઉન્સિલ સૈન્ય અને અન્ય સુરક્ષા એજન્સીઓની ટોચની બોડી છે, જેની બેઠક ઇમરાન ખાને બોલાવી હતી. આ જ બેઠકમાં ભારત સ્થિત પાકિસ્તાનના રાજદુતને પરત બોલાવી લેવાનો નિર્ણય પણ લેવાયો હતો.
આ ઉપરાંત પાકિસ્તાનમાં જે ભારતીય હાઇ કમિશનર છે તેમના નિકાલનો પણ આદેશ કરી દીધો હતો તેથી હવે ભારતીય હાઇ કમિશનર પણ ભારત પરત આવી જશે. સાથે પાકિસ્તાને એવી પણ ધમકી આપી હતી કે કાશ્મીર મામલો અહીં પુરો નથી થયો અને તેને લઇને અમે કોઇ પણ હદે જવા તૈયાર છીએ. જ્યારે પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું છે કે ભારત સાથેના ડિપ્લોમેટિક સંબંધોને હવે પાકિસ્તાને કાયમ માટે પુરા કરી દેવા જોઇએ.