રૂપાણીના નવા 191 કરોડના વિમાનને પણ મુહૂર્ત નડ્યું : કમૂરતાં ઉતરતાં જ આ તારીખે ભરશે ઉડાન, 2 મહિનાથી ધૂળ ખાય છે

ગુજરાત મુખ્ય સમાચાર

રાજ્ય સરકારે કેનેડાની બોમ્બાર્ડિયર કંપની પાસેથી નવું ચેલેન્જર-650 વિમાન રૂ.191 કરોડમાં ખરીદ્યા બાદ 19 નવેમ્બરના રોજ ગુજસેલ ખાતે આવી પહોંચ્યુ હતું પરંતુ નવા વિમાનને લઇ સોશિયલ મિડિયામાં સરકાર વિરોધી કોમેન્ટો પાસ થઇ હતી. આ દરમિયાન વિધાનસભા સત્ર શરૂ થવાની હોવાથી સરકારે નવા વિમાનને ગુજસેલના હેંગરમાં મૂકી તાળા મારી દીધા હતા. આખરે બે મહિના બાદ નવું વિમાન આગામી 16મીથી પ્રથમ ઉડાન ભરશે જો કે આ ટેસ્ટીંગ ફલાઇટ હોવાથી તેમાં મુખ્ય કેપ્ટન અને કો-પાયલોટ જ હશે.

રાજ્ય સરકારે નવા વિમાન માટે કેનેડાની બોમ્બાર્ડિયર કંપની પાસેથી એમઓયુ કર્યા હતા. લકઝુરિયઝ સુવિધાઓ સાથે આધુનિક ટેક્નોલોજીયુક્ત 13 સીટર બોમ્બાર્ડિયર ચેલેન્જર-650 નામના આ પ્લેનની ડિલિવરી કંપનીએ કરી દેતા અમદાવાદ એરપોર્ટના ગુજસેલના હેંગરમાં છેલ્લા બે મહિનાથી પડી રહ્યુ હતુ, જેમાં સીએમ કાર્યાલયથી એવા કડક આદેશો અપાયા હતા કે આ વિમાન પાસે કોઇને પણ જવા દેવા નહીં તેમજ ફોટા પાડવા પર પણ પ્રતિબંધ ફરમાવાયો હતો. આમ આ વિમાનને હેંગરમાં પાર્ક કરાવી તાળા મારી દેવાયા હતા. હવે ધીમેધીમે નવા વિમાનનો વિવાદ શાંત પડતા અને કમુર્તા પણ ઉતરી જતા આગામી 16મીએ ગુજસેલમાંથી બહાર કાઢી અમદાવાદ એરપોર્ટ પરથી પ્રથમ ઉડાન ભરવામાં આવશે,

જે ટેસ્ટીંગ ફલાઇટ હોવાથી આકાશમાં ચક્કર મારી નવા વિમાનમાં ચેક કરાશે. ત્યારબાદ સીએમ સહિત અન્ય વીવીઆઇપીઓ મુસાફરી કરશે. મહત્વનું એ છે કે બોમ્બાર્ડીયર કંપનીનો પાયલોટ એક વર્ષ સુધી અમદાવાદમાં જ રહેશે જે સીએમના અન્ય પાયલોટસને ટ્રેનીંગ આપશે. હાલમાં સરકારનો એક પાયલોટ કેનેડા ટ્રેનીંગ પર છે. આગામી સમયમાં બીજો પાયલોટ પણ ટ્રેનીંગમાં જશે. નોંધનીય છે કે એલઆડી પેપરલીક કાંડ, બિન સચીવાલયના ક્લાર્કની પરીક્ષાનો વિવાદ થાળે પડ્યા બાદ હાલમાં ચાલી રહેલા જેએનયુના વિવાદ વચ્ચે નવા વિમાનને ટેસ્ટીંગ તરીકે ઓપરેટ કરાશે.