અમદાવાદનું ‘ટાઈમ્સ સ્કવેર’બની રહ્યું છે ‘લાલદરવાજા’, રોજના 2 લાખ લોકો ખરીદી કરવા આવે છે

ગુજરાત મુખ્ય સમાચાર

દિવાળી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જોરદાર ખરીદીનો માહોલ જામી ગયો છે. અમેરિકાના ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેયર કરતા પણ મોટું માર્કેટ તેવું અમદાવાદનું આપણું લાલ દરવાજા. લાલ દરવાજા બજાર ન્યુયોર્કનાં ટાઈમ સ્કવેર કરતાં પણ મોટું માર્કેટ છે. 2 કિમીનાં વિસ્તારમાં લગભગ ચાર હજાર પાથરણાંવાળા અને એક હજાર જેટલી દુકાનો છે. અહીં દુનિયાની બધી જ મોટી બ્રાન્ડની ડુપ્લિકેટ કોપી મળે છે. દિવાળી, ઈદ, નાતાલ, નવું વર્ષ જેવાં તહેવારોમાં અહિયાં પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી. દિવાળીના તહેવારોમાં અહિંયા એક જ દિવસે બે લાખથી પણ વધુ લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે.

ઈન્ટરનેશનલ બ્રાન્ડનું લોકલ માર્કેટ એટલે લાલ દરવાજા
જે સમયમાં મોલ ન હતા તે સમયમાં નાની મોટી બધી વસ્તુની ખરીદી કરવા માટે અમદાવાદમાં ભદ્ર બજાર છેલ્લા 100 વર્ષો થી પ્રખ્યાત છે. અહિંયા ઈન્ટરનેશનલ બ્રાન્ડનું લોકલ માર્કેટ ભરાય છે. અહીં વુડલેન્ડના બેલ્ટ, રાડો, બીએનડબલ્યુની ઘડિયાળ, ગુસીના પર્સ, રે બેનનાં ગૉગલ્સ, અરમાની, વુડલેન્ડ, નાઈકીનાં પર્સ, ટોમી હીલફાયર, એચપીની બેગ, એડિડાસ, ફિલા, નાઈકીના બુટ, પુમાનાં ચપ્પલ, રીબોકનાં મોજાં, એડિડાસની ગંજી, અને લેટેસ્ટ ફેશનનાં કપડાં, એમ દરેક બ્રાન્ડની પ્રોડક્ટ મળે છે.

દિવાળીની ખરીદીનો માહોલ
દિલ્હી દરવાજા વિસ્તારમાં ફટાકડાની મુખ્ય દુકાનો આવેલી છે. આ દુકાનોમાં ખરીદી માટે દર વર્ષે પરંપરાગત રીતે દિવાળી પર્વના એક બે દિવસ પહેલાથી જ ખરીદીનો માહોલ જામે છે. આવી સ્થિતિ હવે શરૂ થઈ ગઈ છે. જોકે આ વર્ષે ફટાકડાના ભાવમાં 35 ટકા વધારો હોવાથી આ સ્થિતિ હવે યથાવત રહે તેમ માનવામાં આવી રહ્યું છે. રાયખડ વિસ્તારમાં પણ ફટાકડાના મુખ્ય બજારો છે. ફટાકડાના ભાવ આસમાને હોવા છતાં બાળકો લોકો ખરીદી માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ દુકાનદારો પણ જુદા જુદા પ્રકારના આકર્ષક ફટાકડાઓના વેચાણમાં વ્યસ્ત બન્યા છે. કાળુપુર, મસ્તકી માર્કેટ, ખાડીયા, રાયપુર, દિલ્હી દરવાજા સહિતના વિસ્તારો દિવાળી સુધી આવી જ સ્થિતિ રહેશે. નાના કારોબારીઓ પણ ખુલ્લા રસ્તામાં જંગી વેચાણ કરી રહ્યા છે. રાત્રે પણ મોડી રાત સુધી ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવસ દરમિયાન 2 લાખથી વધુ લોકો ખરીદી કરવા ઉમટે છે
ગુજરાત, ભારત કે વિશ્વના કોઇ પણ ખૂણે થી કોઇ વ્યક્તિ અમદાવાદમાં આવે ને જો ખરીદી કરવાની હોય તો ત્રણદરવાજા બજાર ધક્કો થાય જ. આ બજાર દિવાળીમાં તો એટલી ધમધમે કે ચાલવાની પણ જગ્યા ન મળે. દિવાળી દરમિયાન દરરોજ 2 લાખથી વધુ લોકો અહિંયા ખરીદી કરવા માટે આવતા હોય છે. દિવાળી આવે એટલે ઘરમાં કંઇ નવું કરવાનું કે કંઇક નવું ખરીદવાનું મન થાય આખા ગામમાં ફરો પછી ય ન મળે તે અહીં તો મળે જ. અમદાવાદના એવા કેટલાય પરિવારો હશે જેઓને અહીં ખરીદી કર્યા વગર દિવાળી પુરી જ ન થાય.

નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીને અહીંયા ખરીદી કરવામાં આનંદ આવે છે
ભદ્ર મંદિરથી પાનકોર નાકા સુધીની આ બજાર ખરીદી માટે સૌથી મોટી બજાર હશે. નાની સોઇથી લઇ ઘરની કોઇ પણ મોટી વસ્તુની ખરીદી અહીંથી થઇ જાય. પછી લગ્ન હોય કે મરણોતર પ્રસંગ બધું અહીં મળી જ જાય. અમદાવાદના અન્ય વિસ્તારનો કોઇ પણ દુકાનદાર પાસે જો તમને ગમતી વસ્તુ ન મળે તો જાવ ત્રણ દરવાજા બજાર ત્યાં તમારી મનગમતી વસ્તુઓ મળી જશે. નાના 5 વર્ષના બાળકથી 70 વર્ષના દાદા સુધી કોઇ પણ વ્યક્તિને ખરીદી કરવામાં આનંદ જ આવે.