અરબી સમુદ્રમાં સર્જાયેલું એક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિણમ્યા બાદ હવે આગામી 48 કલાક દરમિયાન વાવાઝોડામાં પરિણમવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાઈકલોનિક સર્ક્યુલેશન આરંભમાં પૂર્વ ઉત્તરીય દિશામાં આગળ વધશે અને ત્યાર બાદ પિૃમ ઉત્તર પિૃમ દિશામાં આગળ વધવાની શકયતા છે. આ સિસ્ટમને કારણે કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદ રહેશે.
ખાસ કરીને ગુજરાતમાં તટીય સહિત અન્ય વિસ્તારોમાં પણ આગામી તા. 28થી 30 દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઈ છે. આ સિસ્ટમ આજે ડીપ ડિપ્રેશનમાં પરિણમી છે પરંતુ પૂર્ણ રૂપે વાવાઝોડામાં પરિણમતા 48 કલાક થશે અને ત્યારબાદ આ સિસ્ટમની દિશા નિર્ધારિત થશે.
આમ છતાં સિસ્ટમને કારણે આજે પણ સુરતનું તાપમાન સામાન્યથી નીચું રહ્યું હતું. શહેરમાં પારો આજે 30.0 અને 24.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જયારે હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને પવન ઉત્તર દિશાના પ્રતિ કલાક ત્રણ કિલોમીટરની ઝડપનો રહ્યો હતો. આ સાથે જ આગામી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી છે.

