મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. આજે મુંબઈ ખાતે કોંગ્રેસ-NCP નેતાઓની બેઠક યોજાય જેમાં રાજ્યમાં સરકારના ગઠન પર ચર્ચા થઈ. મીટિંગ બાદ પત્રકાર પરિષદમાં પટેલે કહ્યું કે, શિવસેનાએ 11 નવેમ્બરે અમારી સાથે સત્તાવાર રીતે સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવીને લોકશાહી અને બંધારણની મજાક ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ રાષ્ટ્રપતિ શાસનની ટીકા કરે છે. કેન્દ્રએ ક્યારેય નિયમોનું પાલન નથી કર્યું અને ઘણાં રાજ્યોમાં મનમાની કરી.
અહેમદ પટેલે કહ્યું કે, રાજ્યપાલ દ્વારા મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસને નિમંત્રણ નહી આપ્યું તે ખોટું છે. જ્યારે શરદ પવારે કહ્યું, તેઓ સરકારના ગઠન માટે પહેલાં કોંગ્રેસના નેતાઓ સાથે વાત કરી લે પછી શિવસેના સાથે વાત કરશે.
શરદ પવારે કહ્યું, પરસ્પર વાતચીત પછી આના પર આગળનો નિર્ણય લેવામાં આવશે. તેઓ રાજ્યમાં ફરીવાર ચૂંટણી નથી ઈચ્છતી. તેમણે કહ્યું કે, રાજ્યપાલે તેમની પાર્ટીને સરકાર બનાવવા પુરતો સમય આપ્યો છે, હવે સરકાર રચવા પર પોતે આગળ વાત કરશે. તેમણે કહ્યું અમારો અને કોંગ્રેસનો એક કોમન મેનિફેસ્ટો હતો, તેથી અમે અમારા કોમન મિનિમમ પ્રોગ્રામ વિશે ચિંતા નથી પરંતુ જો અમારે થર્ડ પાર્ટી સાથે સરકાર બનાવવાની હોય તો અમારે બેઠક કરવી પડશે અને ચર્ચા કરવી પડશે.

