‘આપ’ પ્રદૂષણ મામલે કંઇ કરી નથી શકતી તો સત્તામાં કેમ છે: સુપ્રીમ કોર્ટ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દિલ્હીમાં હવા પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને આડે હાથ લીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કાર્યવાહી કરતા જણાવ્યું કે, પ્રદૂષણ મામલે અરવિંદ કેજરીવાલ સરકાર યોગ્ય પગલા લેવામાં નિષ્ફળ રહી છે. કોર્ટે દિલ્હી સરકારને સવાલ કર્યો હતો કે, આ મામલે જો તે કંઇ કરી શકતી નથી તો સત્તામાં કેમ છે. 

કેજરીવાલ સરકાર પર સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે માત્ર ખુરશી પર બેસીને શાસન કરવા ઇચ્છે છે. સરકારને ચિંતા જ નથી, તેણે લોકોને મરવા માટે છોડી દીધા છે. જો રાજ્ય સરાકરોને રાજ્યની પ્રજાની ચિંતા ન હોય તો તેમણે સત્તામાં રહેવાનો કોઇ અધિકાર નથી. તમે લોકકલ્યાણની ભાવના ભૂલી ગયા છો જે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આપણે વિચારી પણ નથી શકતા કે દિલ્હીના લોકો પ્રદૂષણને કારણે કેવી બીમારીઓથી પીડાય છે. 

દિલ્હી-એનસીઆર પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આપને શરમ નથી આવતી કે લોકો તેમના ઘરોમાં પણ સુરક્ષિત નથી. આ કરોડો લોકોના જીવનનો સવાલ છે. કાયદાએ આ માટે સરકારને જવાબદાર ઠેરવવી પડશે. 

કોર્ટે જણાવ્યું કે કાયદો દેશની લોકતાંત્રિક સરકાર પાસેથી પરાળી સળગાવવા તથા પ્રદૂષણ પર રોક લગાવવા મુદ્દે યોગ્ય પગલાની આશા રાખે છે. કોર્ટે સવાલ કર્યો કર્યો હતો કે, સરકાર ખેડૂતો પાસેથી પરાળી એકત્રિત કેમ નથી કરી શકતી અથવા તેને ખરીદતી કેમ નથી. સુપ્રીમ કોર્ટ જણાવ્યું હતું કે પરાળી સળગાવવી એ કોઇ સમાધાન નથી.