દિલ્હીમાં સ્થિત તીસ હજારી કોર્ટના કેમ્પસમાં દિલ્હી પોલીસ અને ધારાશાસ્ત્રીઓ વચ્ચે ભારે સંઘર્ષ થયો હોવાના અહેવાલ છે. માનવામાં આવી રહ્યું છે કે આ વિવાદ પાર્કિંગ મામલે થયો હતો. જેને આગળ જતા ગંભીર રુપ લીધુ હતું. વકીલો અને પોલીસ વચ્ચે થયેલા આ સંઘર્ષમાં પોલીસના કેટલાક વાહનોને વકીલોએ આગ લગાવી દીધી હતી. આ દરમિયાન ફાયરિંગ થયું હોવાના અહેવાલ હતા. આ કંકાસનું કવરેજ કરવા માટે પહોંચેલા કેટલાક પત્રકારો સાથે ગેરવર્તૂણક કરી મારામારીના બનાવો પણ સામે આવ્યા હતા.
દિલ્હી પોલીસ અને વકીલો વચ્ચે થયેલા આ સંઘર્ષ પછી અદાલતના પ્રાંગણમાં ભારે તણાવ ફેલાયો હતો. માહિતી મુજબ કેટલાક પોલીસ અધિકારીઓ પણ હુમલા કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસ અને વકીલો વચ્ચે થયેલા વિવાદ દરમિયાન ફાયરિંગની ઘટના પણ બની હતી જે પછી આ મામલો વધારે વકર્યો હતો. આ દરમિયાન કેદીઓ માટેની પોલીસ વેનને આગ લગાવી દેવામાં આવી હતી. હાલમાં સમગ્ર કોર્ટ વિસ્તારમાં પોલીસની વધારે ટૂકડીઓ મોકલવાની ફરજ પડી છે.
બંને પક્ષોને શાંત કરવાના પ્રયત્નો દરમિયાન વકીલોએ કોર્ટના ગેટ પર તાળા મારી દીધા હતા અને કોઇને પણ અંદર પ્રવેશવા પર મનાઇ ફરમાવી હતી. જો કે પોલીસની એક ટૂકડીએ અંદર જવાનો પ્રયત્ન કર્યો ત્યારે વકીલો દ્વારા નારેબાજી કરી તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.