કર્ણાટકમાં બાગી ધારાસભ્યોની બબાલ પાછળ અમિત શાહ હતા: યેદિયુરપ્પાની ઓડિયો ક્લિપમાં ખુલાસો

મુખ્ય સમાચાર રાજકીય

કર્ણાટકના ખોરવાયેલા રાજકારણમાં આજકાલ એક ઓડિયો ક્લિપે ભારે વિવાદ ઉભો કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ઓડિયો ક્લિપ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની છે જે બુધવારે બીજેપી કોર સમિતિની બેઠક દરમિયાન મોબાઇલમાં રેકોર્ડ કરવામાં આવી હતી. આ ક્લિપમાં તેઓ કહી રહ્યા હતા કે, જેડીએસ કોંગ્રેસના બાગી ધારાસભ્યોને મુંબઇમાં રાખવા પાછળ પાર્ટી પ્રમુખ એટલે કે ગૃહમંત્રી અમિત શાહ હતા. તેઓ પાર્ટી નેતાઓને સલાહ આપી રહ્યા હતા કે, બધા જ નેતાઓએ બાગીઓનો સાથ આપવો જોઇએ જેથી બીજેપી સત્તામાં આવી શકે.

મોબાઇલ દ્વારા રેકોર્ડ કરાયેલી સાત મિનિટના આ ઓડિયો ક્લિપમાં યેદિયુરપ્પા કરી રહ્યા હતા કે, મારી સરકારને મજબૂત કરવા માટે કોઇપણ કામ નથી કરી રહ્યું. આ સરકાર વિધાનસભામાંથી હંકારી દેવાયેલા ધારાસભ્યોએ ભેટમાં આપી છે. બાગી ધારાસભ્યોને મુંબઇમાં રાખવાનો નિર્ણય મારો ન હતો, પરંતુ પાર્ટી પ્રમુખ અમિત શાહનો હતો.

યેદિયુરપ્પાએ આ ઓડિયો ક્લિપમાં પોતાનો અવાજ હોવાથી ઇન્કાર નથી કર્યો. તેમણે જણાવ્યું કે પાર્ટી કાર્યકર્તાઓ કેટલાક ખાસ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા હતા. જો કે પોતાની સરકાર પડી જવાથી રોષે ભરાયેલા એચ ડી કુમારસ્વામીએ આ ક્લિપ આવતાની સાથે જ આકરી પ્રતિક્રિયા આપી હતી કે, પહેલાથી જ એક ક્લિપ કોર્ટમાં છે અને આ ક્લિપ પણ પૂરાવા તરીકે કોર્ટમાં રજૂ કરીશ.

બીજી તરફ કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે આ મુદ્દે ટ્વિટ કરી હતી કે, બીએસ યેદિયુરપ્પાએ ફરી એમના ઓપરેશન કમલ અને અનૈતિક રીતે કોંગ્રેસ ધારાસભ્યોને તોડવાની વાતના સ્વીકાર કર્યો છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, અમિત શાહે મુંબઇમાં અઢી મહિના સુધી દળબદલુઓને રાખ્યા હતા. હજુ પણ પૂરાવાની જરુર છે કે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ બીજેપી માસ્ટરમાઇન્ડ હતી.

ઉલ્લેખનીય છે કે બીજેપી શરુઆતથી જ દાવો કરતી આવી હતી કે કુમારસ્વામી સરકાર પાડી દેવાના ષડયંત્રમાં તેની કોઇ ભૂમિકા નથી, પરંતુ તાજેતરમાં ફરી રહેલી ઓડિયો ક્લિપે તેના દાવા સામે સવાલો ઉભા કરી દીધા છે. ઓડિયો ક્લિપને કારણે વિપક્ષને યેદિયુરપ્પા સરકાર ઘેરવાની તક આપી છે.