ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી-૨૦ની હાર સાથે ભારતની મહિલા ટીમે ત્રણ મેચની શ્રેણી ૦-૨થી ગુમાવી દીધી હતી. જીતવા માટેના ૧૩૬ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ન્યુઝીલેન્ડે આખરી બોલ પર એક રન લઈને ચાર વિકેટથી વિજય મેળવ્યો હતો. જીતવા આખરી ઓવરમાં ન્યુઝીલેન્ડની મહિલા ટીમને ૯ રનની જરુર હતી. હરમનપ્રીતની આગેવાની હેઠળની ભારતીય ટીમે સીનિયર બેટ્સમેન મિતાલી રાજને ટીમમાંથી બહાર રાખવાનો સિલસિલો જારી રાખ્યો હતો. ભારતનો આ ત્રીજી મેચમાં પરાજય મિતાલીની ગેરહાજરીમાં થયો હતો. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા ભારતને બેટીંગમાં ઉતાર્યું હતુ. ભારત તરફથી જેમીમા રોડ્રીગ્યુઝે ૫૩ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૭૨ રન ફટકાર્યા હતા. જ્યારે સ્મ્રિતિ મંધાનાએ ૨૭ રન કર્યા હતા. ભારતે નિર્ધારિત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૩૫ રન કર્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી માઈરે ૧૭ રનમાં બે વિકેટ ઝડપી હતી. જવાબમાં ન્યુઝીલેન્ડને સુઝી બેટ્સે આક્રમક શરૃઆત અપાવતા ૫૨ બોલમાં ૫ ચોગ્ગા સાથે ૬૨ રન ફટકાર્યા હતા. સેટરવેઈટે ૨૩ અને માર્ટિને ૧૩ રન કર્યા હતા. કાસ્પેરેક અને રોવ ૪-૪ રને નોટઆઉટ રહ્યા હતા. ન્યુઝીલેન્ડને જીતવા આખરી ઓવરમાં ૯ રનની જરુર હતી. જ્યારે માનસી જોશીની ઓવરના પહેલા જ બોલ પર માર્ટિને ચોગ્ગો ફટકાર્યો હતો. જોકે ત્યાર બાદના બોલ પર તે બોલ્ડ થઈ હતી. નવી બેટ્સવિમેન રોવે ત્રીજા બોલ પર બે અને ચોથા બોલ પર એક રન લીધો હતો. કાસ્પેરેકે પાંચમા બોલ પર એક રન કરતાં સ્કોર ટાઈ થયો હતો અને રોવે આખરી બોલ પર વિજયી રન લેતા ટીમને મેચની સાથે શ્રેણી જીતાડી હતી.

