દ્વિતિય ટી-20માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની યજમાન ટીમના ડેરિલ મિચેલની વિકેટ અંગે વિવાદ સર્જાયો હતો. મિચેલને કૃણાલ પંડયાની બોલિંગમાં લેગબિફોર વિકેટ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે ટીવી સ્ક્રિન પરના હોટ સ્પોટ વિડિયોમાં ઈન સાઈડ એજ જોવા મળતી હતી. ન્યુઝીલેન્ડની ઈનિંગની છઠ્ઠી ઓવરમાં બનેલી આ ઘટનામાં અમ્પાયરે કૃણાલની બોલિંગમાં મિચેલને એલબીડબલ્યુ આઉટ જાહેર કર્યો હતો. મિચેલે કેપ્ટન વિલિયમસન સાથે વાત કર્યા બાદ ડિઆરએસ (ડિસિઝન રિવ્યુ સિસ્ટમ) રિવ્યુ માંગ્યો હતો. હોટસ્પોટમાં બેટ પર નિશાન જોઈ શકાતું હતુ. જોકે તે ખરેખર બોલના ટકરાવથી નહિ પણ પેડના ટકરાવથી બન્યું હતુ. અલબત્ત જાયન્ટ સ્ક્રિન પર હોટ સ્પોટમાં બેટ પર નિશાન જોતા જ ન્યુઝીલેન્ડના ચાહકો ગેલમાં આવી ગયા હતા. જોકે અમ્પાયરે ત્યાર બાદ રેડ લાઈટ દેખાડતાં મિચેલ આઉટ જાહેર થતાં ભારે આશ્ચર્ય ફેલાયું હતુ.
આ મૂંઝવણભરી સ્થિતિ અંગે હર્ષા ભોગેલેએ ટ્વિટ કરતાં કહ્યું કે, થર્ડ અમ્પાયરે તેનો નિર્ણય હોટ સ્પોટને આધારે નહી પણ સ્નિકોમીટરના આધારે લીધો હતો. સ્નિકોમીટરના ઓડિયો અને વિડિયો બંનેનો ઉપયોગ કરવામાં આવે છે,જેનાથી ખબર પડે છે કે, બોલની સાથે બેટ ટકરાયું હતુ કે, નહિ. અલબત્ત, ટીવી અમ્પાયરના રૃમમાં બનેલી ઘટનાથી અજાણ મેદાન પરના ક્રિકેટરો અને ચાહકોમાં ભારે આશ્ચર્ય સાથે અસમંજસ ફેલાયું હતુ. અમ્પાયરની સામે ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસને વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેમની ચર્ચામાં રોહિત શર્મા પણ જોડાયો હતો. વિલિયમસને આ નિર્ણય અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જોકે અમ્પાયરનો નિર્ણય આખરી રહેતાં મિચેલને મેદાન છોડવું પડયું હતુ.

