ભારતના 16 જેરેમીને થાઈલેન્ડમાં સિલ્વર મેડલ

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારતના ૧૬ વર્ષીય વેઈટલિફ્ટર જેરેમી લાલ્રીનુંગાએ થાઈલેન્ડમાં યોજાયેલા ઈજીએટી કપમાં સીનિયર લેવલની ઈવેન્ટમાં ભાગ લઈને સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. આ સાથે થાઈલેન્ડમાં ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતને બીજો મેડલ મળ્યો છે. અગાઉ ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. જેરેમી લાલ્રીનુંગાએ ૬૭ કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં ૧૩૧ કિગ્રા સ્નેચમાં અને ૧૫૭ કિગ્રા ક્લિન એન્ડ જર્કમાં ઉંચક્યું હતુ. આ સાથે તેણે કુલ ૨૮૮ કિગ્રા વજન ઉંચકીને બીજું સ્થાન હાંસલ કર્યું હતુ. ઈન્ડોનેશિયાના વેઈટલિફ્ટર ડેનીએ કુલ ૩૦૩ કિગ્રા વજન ઉંચકીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેણે ૧૩૨ કિગ્રા વજન સ્નેચમાં અને ૧૭૧ કિગ્રા વજન ક્લિન એન્ડ જર્કમાં ઊંચક્યું હતુ. કિરિબાતીના રુબેન કાટોટાઉને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. તેણે ૨૮૫ કિગ્રા વજન ઉંચક્યું હતુ. ભારતીય વેઈટલિફ્ટર જેરેમીનું આ આંતરરાષ્ટ્રીય સ્તરનું શ્રેષ્ઠ પર્ફોમન્સ છે. અગાઉ તેણે ગત વર્ષે ઓક્ટોબરમાં બ્યુનોસ એર્સ યુથ ઓલિમ્પિક્સમાં ૨૭૪ કિગ્રા વજન ઉંચકીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ભારતની સ્વાતી સિંઘ અને કોપાર્થી સિરીસા પણ સ્પર્ધામાં ઉતર્યા હતા. જોકે તેઓ અનુક્રમે છઠ્ઠા અને નવમા ક્રમે રહ્યા હતા.