આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં શાનદાર દેખાવ કરી રહેલી ભારતીય બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુની સાથે ચીનની એક સ્પોર્ટસ બ્રાન્ડ કંપનીએ અધધધ કહી શકાય તેવો રૃપિયા ૫૦ કરોડનો કરાર કર્યો છે. સિંધુએ ચાર વર્ષ માટે ચીનની સ્પોર્ટ્સ બ્રાન્ડ લી નિંગ સાથે જોડાવાનું નક્કી કર્યું છે. આ રકમ અનુસાર સિંધુને પ્રતિવર્ષ સાડા બાર કરોડ રૃપિયા મળશે. આ સાથે સિંધુએ ભારતીય સ્પોર્ટસ વર્લ્ડમાં જંગી રકમના કરાર સાથે નવી ઉંચાઈ હાંસલ કરી હતી. સિંધુ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડાલીસ્ટ હોવાની સાથે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ સિલ્વર મેળવી ચૂકી છે. ચીનની આ કંપનીએ ગત મહિને જ બેડમિંટન સ્ટાર કિદામ્બી શ્રીકાંતને ચાર વર્ષના કરાર માટે રૃપિયા ૩૫ કરોડના કરારની ઓફર કરી હતી. ફોર્બ્સની યાદીમાં ગત વર્ષે સિંધુને ભારતની હાઈએસ્ટ પેઈડ મહિલા સ્પોર્ટસપર્સન જાહેર કરવામાં આવી હતી. હવે આ કરાર બાદ સિંધુની કમાણી વધુ ઊંચાઈએ પહોંચી જશે તે નક્કી મનાય છે. આ કરારની વિગતો મુજબ સિંધુ રૃપિયા ૪૦ કરોડ સ્પોન્સરશીપ પેટે ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના ૧૦ કરોડના સ્પોર્ટસ ઈક્યુપમેન્ટ્સ પુરા પાડવાનું વચન અપાયું છે. ભારતીય સ્પોર્ટસપર્સન્સના જાહેરખબરના માર્કેટમાં સિંધુના આ કરારને કોહલીએ ૨૦૧૭માં કરેલા કરારને સમકક્ષ માનવામાં આવે છે. કોહલીએ સ્પોર્ટસ મેન્યુફ્રેક્ચરર કંપની સાથે ૨૦૧૭માં આઠ વર્ષ માટે ૧૦૦ કરોડનો કરાર કર્યો હતો. આ કરાર હેઠળ કોહલીને પ્રતિવર્ષ રૃપિયા ૧૨.૫ કરોડ મળી રહ્યા છે. સિંધુએ અગાઉ આ જ ચીની કંપનીની સાથે વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૫માં કરાર કર્યો હતો અને ત્યારે તેને પ્રતિવર્ષ ૧.૨૫ કરોડ ચૂકવાયા હતા. જે પછી તેણે ૨૦૧૬માં અન્ય સ્પોર્ટસ કંપની સાથે પ્રતિવર્ષ લેખે ૩.૫ કરોડ રૃપિયાનો કરાર ત્રણ વર્ષ માટે કર્યો હતો. File Pic

