વેસ્ટ ઇન્ડિઝે શિમરોન હેટમાયર અને શાઈ હોપની સદી થકી પ્રથમ વનડેમાં ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતને 8 વિકેટે હરાવ્યું છે. આ સાથે વિન્ડીઝે ત્રણ વનડેની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હેટમાયરે વનડેમાં પાંચમી સેન્ચુરી મારી હતી. તેણે 106 બોલમાં 11 ફોર અને 7 સિક્સની મદદથી 139 રન કર્યા હતા. જ્યારે હોપે 151 બોલમાં 102 રન કર્યા હતા અને છેલ્લે સુધી અણનમ રહ્યો હતો. સીરિઝની બીજી વનડે 18 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે.
હેટમાયર અને હોપની 218 રનની પાર્ટનરશીપ: ઓપનર સુનિલ એમ્બ્રીસ 9 રનમાં આઉટ થતા વિન્ડીઝની શરૂઆત નબળી રહી હતી. જોકે તે પછી ‘ધ હેટમાયર-હોપ શો’ જામ્યો હતો. બંનેએ બીજી વિકેટ માટે 218 રનની પાર્ટનરશીપ કરી હતી. ઇનિંગ્સ દરમિયાન હેટમાયરે આક્રમક બેટિંગ કરી હતી, જયારે હોપે એક છેડો સાચવી રાખ્યો હતો. ભારત માટે દિપક ચહર અને મોહમ્મદ શમીએ 1-1 વિકેટ લીધી હતી. હેટમાયર 106 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે દિપક ચહરની બોલિંગમાં શ્રેયસ ઐયરે લોન્ગ-ઓન પર તેનો સરળ કેચ છોડ્યો હતો.