ભારતે ન્યુઝીલેન્ડને બીજી ટી-20માં સાત વિકેટથી હરાવ્યું

ખેલ-જગત

ભારતે ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી-૨૦ કૃણાલ પંડયાની ૨૮ રનમાં ત્રણ વિકેટ બાદ કેપ્ટન રોહિત શર્માના ૫૦ અને રિષભ પંતના અણનમ ૪૦ની મદદથી સાત વિકેટથી જીતી લીધી હતી. ઓલરાઉન્ડ પર્ફોમન્સને સહારે મેળવેલી આસાન જીતની સાથે ભારતે ત્રણ ટી-૨૦ની શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી લીધી છે. કૃણાલ પંડયાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. હવે આખરી અને નિર્ણાયક મેચ રવિવારે રમાશે. ભારતે જીતવા માટેના ૧૫૯ રનના ટાર્ગેટને ૧૮.૫ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. રોહિત શર્માએ ફોર્મ બતાવતા અડધી સદી ફટકારવાની સાથે ટી-૨૦માં સૌથી વધુ છગ્ગા ફટકારવાની અને સૌથી વધુ રન ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ન્યુઝીલેન્ડને ટોપ ઓર્ડરનો ફ્લોપ શૉ ભારે પડયો હતો અને ગ્રાન્ધોમના ૫૦ તેમજ ટેલરના ૪૨ રન ટીમને જીતાડી શક્યા નહતા. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ફરી આગવી લયમાં રમતા ટી-૨૦માં ૧૬મી અડધી સદી ફટકારી હતી. જીતવા માટેના ૧૫૯ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા રોહિત શર્માએ ૨૯ બોલમાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૫૦ રન ફટકાર્યા હતા. તેની અને ધવન (૩૦)ની જોડીએ ૫૬ બોલમાં ૭૯ રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી. આ પછી રિષભ પંતે બાજી સંભાળી લીધી હતી અને તેણે ૨૮ બોલમાં ૪ ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ ૪૦ રન કર્યા હતા. તેણે સાઉથીની બોલિંગમાં એક હાથે ક્લાસિક છગ્ગો ફટકાર્યો હતો. પંતે વિજય શંકર (૧૪) સાથે ૩૦ અને ધોની (૨૦*) સાથે અણનમ ૪૪ રનની ભાગીદારી કરતાં ટીમને જીત અપાવી હતી.