દક્ષિણ આફ્રિકાની વિશ્વ કપમાં કમનસીબી નથી, ન્યૂઝીલૅન્ડ એક ખતરનાક ટીમ છે

ખેલ-જગત

કૅપ્ટન કેન વિલિયમ્સન અને કોલિન ડી ગ્રેન્ડહોમની શાનદાર બૅટિંગની મદદથી ન્યૂઝીલૅન્ડે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પોતાની વિજયકૂચ જારી રાખીને બુધવારે સાઉથ આફ્રિકા સામે ચાર વિકેટે રોમાંચક વિજય હાંસલ કર્યો હતો. આ સાથે વર્તમાન ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશવાની સાઉથ આફ્રિકાની આશા ઉપર પાણી ફરી ગયું હતું. સાઉથ આફ્રિકાની કમનસીબી જારી રહી છે કેમ કે છ મૅચમાં આ તેનો ચોથો પરાજય છે. આમ તે બાકીની ત્રણેય મૅચ જીતીને પણ આગળ વધી શકે તેમ નથી. ન્યૂઝીલૅન્ડ આ વિજય સાથે પોઇન્ટ ટેબલમાં મોખરે આવી ગયું છે. એજબસ્ટન ખાતે રમાયેલી મૅચમાં ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સાઉથ આફ્રિકાએ 49 ઓવરને અંતે છ વિકેટે 241 રન નોંધાવ્યા હતા. ન્યૂઝીલૅન્ડે 48.3 ઓવરમાં છ વિકેટે 245 રન કર્યા હતા.

કેન વિલિયમ્સને કૅપ્ટનની ઇનિંગ રમીને અણનમ 106 રન કર્યા હતા. તેમણે ગ્રેન્ડહોમ સાથે છઠ્ઠી વિકેટ માટે 91 રનની ભાગીદારી નોંધાવીને ટીમનો વિજય નિશ્ચિત કરી દીધો હતો. ગ્રેન્ડહોમે 47 બૉલમાં બે સિક્સર સાથે 60 રન ફટકાર્યા હતા જ્યારે વિલિયમ્સને 138 બૉલમાં 106 રન કર્યા હતા જેમાં એક સિક્સર અને નવ બાઉન્ડરીનો સમાવેશ થતો હતો. વર્લ્ડ કપમાં અત્યાર સુધી અજેય રહેલી ન્યૂઝીલેન્ડની ટીમે અગાઉ બૉલિંગમાં કમાલ કરીને સાઉથ આફ્રિકાને માત્ર 241 રનના સ્કોરે અટકાવી દીધું હતું. વરસાદને કારણે મોડેથી શરૂ થયેલી મેચ 50ને બદલે 49-49 ઓવરની કરી દેવાઈ હતી.