ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આગામી મહિને બાંગ્લાદેશ સામે રમાનારી ત્રણ ટી-20 મેચ સિરીઝમાં ભાગ લેશે નહીં. તેને આરામ આપવાની વાત કહેવામાં આવી રહી છે. કોહલીએ આ વર્ષના જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે પાંચ વન-ડે સિરીઝમાં ત્રણ મેચમાં પણ આરામ લીધો હતો. આ ઉપરાંત ટીમના અન્ય કેટલાક સિનિયર ખેલાડીઓને પણ ટીમમાંથી બહાર રાખવામાં આવી શકે છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. રોહિત શર્માને ટીમના કેપ્ટન તરીકે જવાબદારી આપવામાં આવી શકે છે.
બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોહલી ટી-20 સિરિઝમાં નહીં રમે. તેને આરામની જરૂર છે. તેઓ ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ આઈપીએલ, વિશ્વ કપ, વેસ્ટઈન્ડિઝ પ્રવાસ તથા દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં પણ સતત રમ્યો હતો. ખેલાડીઓનો વર્કલોડ મેનેજમેન્ટ અમારી પ્રાથમિકતામાં છે. ખાસ કરીને એવા ખેલાડીઓ કે જેઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે ખેલાડી ફ્રેશ રહે અને હંમેશા પોતાની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે.
ટીમની પસંદગી 24મી ઓક્ટોબરના રોજ થશે
બાંગ્લાદેશ સામે ત્રણ ટી-20 સિરીઝ માટે ટીમની પસંદગી 24મી ઓક્ટોબરના રોજ થશે. બોર્ડના આગામી અધ્યક્ષ સૌરવ ગાંગુલી તે અગાઉ મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઈ પસંદગીકર્તા સમક્ષ વાત કરશે. ધોનીએ વર્લ્ડ કપ બાદ એક પણ મેચ રમ્યો નથી. એવું માનવામાં આવે છે કે ઋષભ પંતના ખરાબ ફોર્મને જોતા બાંગ્લાદેશ સામે સિરીઝ માટે તેને ફરી ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.
કોહલી બાંગ્લાદેશ સામે ટેસ્ટથી પુનરાગમન કરશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોહલી બાંગ્લાદેશ સામે બે ટેસ્ટની સિરીઝથી પરત ફરશે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પણ મેચ રમવા ઈચ્છે છે. કોહલીએ પુણેમાં દક્ષિણ આફ્રીકા સામે ત્રણ ટેસ્ટ સિરીઝની બીજી મેચ બાદ કહ્યું હતું કે ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પોઈન્ટ ઘણા મહત્વના છે. અમે તેને ઘણુ મહત્વ આપી છીએ. ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં વેસ્ટઇન્ડિઝ સામે બે ટેસ્ટની સિરીઝ 2-0 થી જીતી હતી. હવે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટની સિરીઝમાં તે 2-0 થી આગળ છે. ટીમ અંક પાલિકામાં 200 પોઇન્ટ સાથે મોખરાના સ્થાને છે.

